VIDEO: સુરતમાં હોટ ફિક્સ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાનો સિલસિલો યથાવત્, હવે પુણાગામમાં બન્યો બનાવ
સુરતમાં હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આજે ફરી પુણાગામ વિસ્તારમાં હોટ ફિક્સના કચરામાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુણાગામની રાધાસ્વામી સોસાયટી નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ લાગી હતી.
સુરતમાં મોટી હોનારતની ભીતિ
આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની વિકરાળતા જોઈને ઘટનાસ્થળે થોડીવાર માટે અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે સુરતમાં મોટી હોનારતની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તાર નજીક આવા કચરાના ઢગલા જોખમી સાબિત થઈ શકે છે.
અગાઉ પણ સુરતમાં હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી, જેમાં ત્રણ વાહનો બળીને ખાક થઈ ગયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હોટ ફિક્સના પ્લાસ્ટિક કચરાના નિકાલ અને સંગ્રહ અંગે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

