VIDEO: સુરતમાં હોટ ફિક્સના કચરામાં આગની ઘટના યથાવત્, વધુ એક રીક્ષા બળીને ખાક
સુરતમાં હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં ભરતનગર સોસાયટી નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ પર કાબૂ મેળવાયો
કચરામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ ઉંચે સુધી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની આ ઘટનામાં એક રીક્ષા આગની લપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ ત્રણ વાહનો બળીને ખાક થયા હતા
સુરતમાં હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા કચરામાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ વાહનો બળીને ખાક થઈ ચૂક્યા છે. હવે વધુ એક ઘટનામાં રીક્ષા આગમાં બળીને ખાક થતાં હોટ ફિક્સના કચરાના યોગ્ય નિકાલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરાનો જથ્થો યોગ્ય રીતે દૂર કરવામાં ન આવે તો આગની નાની ઘટના પણ મોટી હોનારતમાં ફેરવાઈ શકે છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે તંત્ર દ્વારા હોટ ફિક્સના કચરાના સંગ્રહ અને નિકાલ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

