VIDEO: સુરતમાં કુદરતની બેવડી માર જુલાઈમાં જળબંબાકાર પછી ઓગસ્ટમાં વરસાદી ઘટથી હાહાકાર!
સુરતમાં કુદરતની બેવડી માર
જુલાઈમાં જળબંબાકાર પછી ઓગસ્ટમાં વરસાદી ઘટથી હાહાકાર!
૨૫ ટકા વરસાદની ઘટથી શેરડી અને ડાંગરનો પાક બળવાના આરે!
સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કુદરતે મિજાજ બદલતાં ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે. જુલાઈ મહિનામાં જ્યાં મેઘતાંડવે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી, ત્યાં ઓગસ્ટ મહિનો આવતાં જ વરસાદે અચાનક લાંબો વિરામ લઈ લીધો છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં ધમાકેદાર વરસતો વરસાદ આ વર્ષે ગાયબ થઈ જતાં સુરત જિલ્લામાં આશરે ૨૫ ટકા વરસાદની મોટી ઘટ નોંધાઈ છે, જેના કારણે સ્થાનિક ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના આ અણધાર્યા વિરામને કારણે સુરત જિલ્લાના મુખ્ય રોકડિયા પાક ગણાતા શેરડી અને ડાંગરના વાવેતરને મોટો ફટકો પડ્યો છે. ડાંગરના પાકને સતત પાણીની જરૂરિયાત હોય છે, જેથી વરસાદના અભાવે સુકારાનો રોગ આવવાનું જોખમ ઊભું થયું છે. બીજી તરફ, સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે શેરડીના પાકમાં વાઇટ ફ્લાયનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. મોંઘા બિયારણ, ખાતર અને મહેનત એળે જવાની ભીતિથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
કુદરતી વરસાદ વગર પાકની પ્રતિકારક શક્તિ ઘટી!
સપ્ટેમ્બરમાં વરસાદ નહીં પડે તો કૃષિ ક્ષેત્રે કરોડોના નુકસાનની ભીતિ!
સ્થાનિક ખેડૂતો સહિતના કૃષિકારોનું કહેવું છે કે કૃત્રિમ સિંચાઈના સાધનો હોવા છતાં કુદરતી વરસાદ વગર પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. જો આગામી સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં વરુણદેવ પુનઃ મહેરબાન નહીં થાય, તો સુરત જિલ્લાના કૃષિ ક્ષેત્રને અબજો રૂપિયાનો મોટો આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જુલાઈમાં અતિવૃષ્ટિ અને ઓગસ્ટમાં તદ્દન કોરાકટ હવામાનના કારણે સુરતનો ખેડૂત કુદરતની બેવડી માર સહન કરી રહ્યો છે. મોંઘા ખર્ચે વાવેતર કર્યા બાદ હવે ઉભો પાક નષ્ટ થવાના આરે પહોંચતાં જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની પધરામણીની રાહ જોઈ રહ્યા છે જેથી મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળી શકે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

