યુપીની કંપનીમાં ભીષણ આગ! દીવાલ-બીમ ધરાશાયી થતાં 2 ફાયરકર્મીઓના મોત

યુપીના ગ્રેટેર નોઈડાના ઈકોટેક-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈએલજીઆઈએમ (ILGIM) કંપનીમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આ કંપનીમાં ઈલેક્ટ્રોનિક ચિપ બનાવવાનું કામ થાય છે. આગની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાઈટર વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન કંપનીની બાજુની એક દીવાલ અને લોખંડનો બીમ અચાનક તૂટી પડ્યો હતો. તેની ચપેટમાં આવવાથી પાંચ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બે ફાયર કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારની મધ્યરાત્રિએ આઈએલજીઆઈએમ કંપનીમાં આગ લાગવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ ઈકોટેક-3 પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ દરમિયાન કંપનીની એક બાજુની દીવાલ અને લોખંડનો બીમ ધડાકાભેર નીચે પડ્યો હતો. આ કાટમાળ નીચે ફાયર સર્વિસના હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર રાજપાલ સિંહ, ફાયરમેન મનીષ કુમાર, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર તીરથપાલ સિંહ, ફાયરમેન અમિત કુમાર અને ફાયરમેન રોહિત યાદવ દબાઈ ગયા હતા.
અકસ્માત બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓ અને અન્ય ફાયર ફાઈટરોએ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ ફાયરમેન રોહિત યાદવ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર તીરથપાલ સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર રાજપાલ સિંહ, ફાયરમેન મનીષ કુમાર અને ફાયરમેન અમિત કુમારની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની હાલત ખતરા બહાર છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને SDRFની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. SDRF અને પોલીસ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને રાહત અને બચાવ કામગીરી કરી હતી. હાલ આગ પર પૂરેપૂરો કાબૂ મેળવી લેવાયો છે. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતક ફાયર કર્મચારીઓના મૃતદેહોને કબજે લઈ જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત અંગે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

