યુપીની પેટાચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ, યોગી, રાહુલ- અખિલેશ કે માયાવતી; કોનો વાગશે ગજ

લોકસભા હોય કે વિધાનસભા પરંતુ મોટાભાગની પેટાચૂંટણીને બહુ ગંભીરતાથી લેવાતી નથી. સામાન્ય રીતે પેટાચૂંટણીને શાસક પક્ષની એકતરફી રમત ગણાતી હોય છે. પરંતુ આ વખતે યુપીમાં 9 વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ જે રીતે સક્રિય થઈ છે તે જોતાં તમામ પક્ષો માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. 2027ની યુપી વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે પરંતુ હાલમાં જાહેર થયેલી આ પેટાચૂંટણીને વિધાનસભાની સેમીફાઇનલની જેમ જોવામાં આવી રહી છે. આ પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતીની પ્રતિષ્ઠા દાવ પર છે. આથી જ દરેકે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
યુપીમાં યોગીએ બનીવી છે સમગ્ર રણનીતિ
લોકસભા 2024ની ચૂંટણીમાં યુપીમાં ભલે ભાજપની સીટો ઓછી આવી પરંતુ હારનું ઠીકરું યોગી આદિત્યનાથ પર ફોડાયું નથી. કારણ કે સીટ વહેંચણીમાં ભાજપ કેન્દ્રીય નેતૃત્ત્વે પોતાના હિસાબે ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ આ વખતે પેટાચૂંટણીમાં સમગ્ર જવાબદારી યોગી આદિત્યનાથના હાથમાં છે. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચારની આક્રમક રણનીતિ તમામ બાબતો યોગીની મરજી પ્રમાણે ચાલે છે. આ સ્થિતિમાં યોગી પેટાચૂંટણીમાં જીત સિવાય બીજું કશું સ્વીકારી શકે નહીં. આ પેટાચૂંટણીનું પરિણામ સીધું યોગી આદિત્યનાથની યુપી અને રાજ્ય ભાજપ સંગઠન પર પકડ તરીકે જોવા મળશે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા યોગી આ પેટાચૂંટણી થકી પોતાની તાકાત દેખાડવા માંગે છે.
કોંગ્રેસ - સપાનું ગઠબંધન
લોકસભા 2024ની ચૂંટણીમાં સપા-કોંગ્રેસ ગઠબંધનને મોટી જીત મળી છે. પરંતુ આ જીતના હીરો કોણ એ મુદ્દે કોંગ્રેસ અને સપામાં મતભેદ છે. કોંગ્રેસને લાગે છે કે આ જીત રાહુલ ગાંધીએ બંધારણ અને અનામતનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો તેનાથી હતી. જ્યારે સપાનું કહેવું છે કે જે રીતે અખિલેશ યાદવે પીડીએનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો તેનાથી ગઠબંધનને જીત મળી હતી. પેટાચૂંટણીમાં સીટ વહેંચણીમાં બંને પક્ષો વચ્ચે જે પ્રકારની ખેંચાતાણ જોવા મળી તેમાં આ જડ જ મોટો ભ્રમ છે. સપાએ લોકસભા જીતવામાં પોતાની ભૂમિકા દર્શાવી વધુ બેઠકો ચૂંટણી લડવા માંગતી હતી. જ્યારે કોંગ્રેસ પોતાના માટે વધુ બેઠકો માગી રહી હતી.
પેટા ચૂંટણી જીતના હિરો નક્કી કરશે
કોંગ્રેસે યુપીમાં નમતું જોખીને સપા માટે મેદાન ખુલ્લું છોડી દીધું. હવે જો આ પેટાચૂંટણીમાં સપા વધુ બેઠકો જીતવામાં સફળ થાયતો અખિલેશ યાદવ તેને પોતાની પીડીએ ફોર્મ્યુલાની જીત ગણાવી શકશે. પરંતુ જો સપા સફળ નહીં થાય તો કોંગ્રેસને એ સાબિત કરવામાં સરળતા રહેશે કે લોકસભા ચૂંટણીની સફળતા રાહુલ ગાંધીની જીત હતી. કોંગ્રેસ કહી શકશે કે રાહુલ ગાંધીના કારણે દલિતો અને મુસ્લિમો સમાજવાદી પાર્ટી સાથે ઉભા હતા, પરંતુ પેટાચૂંટણીમાં આવું ન થવાથી પરિણામો વિપરિત આવ્યા. અર્થાત 2027ની યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ- સપામાં કોની દાવેદારી પ્રબળ રહેશે તે પણ આ પેટાચૂંટણીથી નક્કી થશે.
માયાવતીની પ્રતિષ્ઠા દાવ પર
ઉત્તર પ્રદેશમાં એક સમયે દબદબો ધરાવતી માયાવતીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. કેટલીક ચૂંટણીઓમાં બહુજન સમાજ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 2014, 2019 અને 2014ની લોકસભા ચૂંટણી અને 2012, 2017 અને 2022ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીની પાર્ટીએ ખાસ ઉકાળ્યું નહોતું. ભાજપ સામે લડવામાં માયાવતીની પ્રતિબદ્ધતા અંગે મુસ્લિમોના મનમાં શંકાઓ જન્મી છે. આના કારણે બીએસપીને મોટું નુકસાન સહન કર્યું છે. પરંતુ આ પેટાચૂંટણીથી માયાવતી ફરી એક વખત યુપીના રાજકારણમાં પોતાની તાકાત બતાવવા માંગે છે.
ઉત્તર પ્રદેશની આ પેટાચૂંટણી હવે દરેક મોટી પાર્ટીઓ માટે ઈજ્જતનો સવાલ છે. બધી પાર્ટીઓના દાવા વચ્ચે યુપીની જનતા શું નિર્ણય આપશે, કોની ઈજ્જત બચશે અને કોની માટીમાં મળી જશે એ તો પરિણામ જ બતાવશે.

