VIDEO: ચૂંટણી ટાણે રામ નામ, હવે સંસદમાં ચૂપકીદી...’: રામ મંદિર મુદ્દે પ્રિયંકા ગાંધીએ ભાજપને ઘેર્યું
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે રામ મંદિરના કથિત ચઢાવાની ચોરીના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સરકાર આ મુદ્દાને રાજ્યનો વિષય બતાવીને સંસદમાં જવાબ આપવાથી બચી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાના મુખ્ય પ્રહારો
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, સરકાર રામ મંદિરના ચઢાવા અંગેના સવાલોના જવાબ આપવાનું ટાળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે રામ મંદિરથી રાજકીય લાભ લેવામાં કોઈ સંકોચ દર્શાવ્યો ન હતો, પરંતુ હવે જવાબદારીથી ભાગી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં ચાલી રહેલા વિરોધ અને ગતિરોધ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આ બાબત દર્શાવે છે કે, સરકાર જનતા પ્રત્યે પોતાની જવાબદારી અનુભવતી નથી. સંસદ જ એ સ્થાન છે, જ્યાં સરકારે સવાલોના જવાબ આપવાના હોય છે, અને સત્તાવાર નિવેદન આપવાનું હોય છે.
દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, યુવાનો દિલ્હી સહિત દેશભરમાં રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા અને પેલેટ ગનથી ગોળીબાર કરાયો. બિહારમાં પ્રદર્શનકારીઓ સામે AK-47 નો પણ ઉપયોગ કરાયો હતો.
પ્રિયંકા ગાંધીએ સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં સવાલ ઉઠાવ્યો કે, સરકાર એ પણ સ્પષ્ટ કરવા નથી માંગતી કે, આવી ઘટનાઓ કેવી રીતે બની, અને આ બળપ્રયોગનો આદેશ કોણે આપ્યો હતો.

