અમેરિકાની ધમકીને ગણકારી નહીં! દિલ્હીમાં PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખે હાથ પકડીને દુનિયાને આપી દીધો મોટો સંદેશ!

નવી દિલ્હીમાં યોજાયેલા 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત તરફથી વૈશ્વિક મંચ પર દોસ્તી અને કૂટનીતિનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. એક તરફ પશ્ચિમી દેશો ઈરાનને અલગ પાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતે તમામ દબાણોને અવગણીને ઈરાન સાથેની મિત્રતા મજબૂતીથી દર્શાવી વૈશ્વિક રાજકારણમાં મોટો સંકેત આપ્યો છે.
હાથમાં હાથ પરોવી આગળ વધ્યા બે નેતાઓ
બ્રિક્સ ભારત 2026ના સત્તાવાર બેકડ્રોપ સામે લેવાયેલી એક તસવીરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ઉત્સુકતા જગાવી છે. આ તસવીરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અત્યંત સહજ અંદાજમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન (Iran President Masoud Pezeshkian) નો હાથ પોતાના હાથમાં થામીને આગળ વધતા જોવા મળે છે. ડિપ્લોમસીની દુનિયામાં આવી બોડી લેંગ્વેજ માત્ર ઔપચારિક સંબંધો નહીં પરંતુ પરસ્પર અતૂટ વિશ્વાસ અને મજબૂત પર્સનલ કેમિસ્ટ્રી દર્શાવે છે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે વોશિંગ્ટનને ઝટકો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જે દેશો બ્રિક્સ દ્વારા ડોલરને પડકારશે તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. બીજી તરફ અમેરિકા ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકી ચૂક્યું છે. આવા તંગ વાતાવરણ વચ્ચે આ તસવીરને ભારત-ઈરાન સંબંધોના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે નવી દિલ્હી પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે.
ગ્લોબલ સાઉથની એકતા અને નવો ગ્લોબલ ઓર્ડર
આ તસવીરમાં માત્ર ભારત અને ઈરાન જ નહીં, પરંતુ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા (South Africa President Cyril Ramaphosa) પણ સાથે કદમ મિલાવતા નજરે પડે છે. આ દ્રશ્ય ગ્લોબલ સાઉથ અને ઊભરતી આર્થિક તાકાતોની એકતાનું પ્રતીક છે, જે દુનિયામાં બદલાતા સત્તા કેન્દ્ર તરફ ઈશારો કરે છે.
ચાબહારથી લઈને ઈંધણ સુરક્ષા સુધી વ્યુહાત્મક ભાગીદારી
ઈરાન સાથે ભારતની આ નિકટતા પાછળ મજબૂત વ્યાપારી અને સુરક્ષા કારણો છે. ઈરાન ખાતે ભારત દ્વારા વિકસાવાઈ રહેલું ચાબહાર બંદર પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને રશિયા સુધી માલસામાન પહોંચાડવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત 7,200 કિલોમીટર લાંબો ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) અને ઊર્જા સુરક્ષા માટે પણ બંને દેશો વચ્ચેનો સહયોગ અત્યંત આવશ્યક ગણાય છે.

