Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Does the PM also have to consult a judge to select the cabinet? Argument of Government in Election Commissioner Appointment case

શું PM એ કેબિનેટ પસંદ કરવા માટે પણ જજની સલાહ લેવી પડશે? ચૂંટણી કમિશનર નિમણૂક કેસમાં સરકારની દલીલ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
શું PM એ કેબિનેટ પસંદ કરવા માટે પણ જજની સલાહ લેવી પડશે? ચૂંટણી કમિશનર નિમણૂક કેસમાં સરકારની દલીલ
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી 3 સભ્યોની પસંદગી સમિતિનો બચાવ કર્યો છે.

App Store

કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર "શંકા કરવાનું કોઈ કારણ નથી." સરકારે દલીલ કરી હતી કે બંધારણીય અદાલતો એ ધારણા પર કામ કરી શકે નહીં કે સરકાર લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ કામ કરશે. પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવવો એ સંસદની કાયદાકીય વિવેકબુદ્ધિ અને ચૂંટાયેલી સંસ્થાઓમાં મૂકેલા બંધારણીય વિશ્વાસ બંને પર શંકા કરવા સમાન છે.

શું PMએ કેબિનેટ પસંદ કરવા માટે પણ જજની સલાહ લેવી પડશે? - તુષાર મહેતા

સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રધાનમંત્રી પદની ગરિમા અને સંસદના અધિકારોનો પક્ષ રાખતા દલીલો કરી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સાથે એક પવિત્રતા જોડાયેલી છે. જો તેમના નિર્ણય પર વિશ્વાસ ન કરી શકાતો હોય, તો પછી એવી જોગવાઈ પણ કેમ ન બનાવવી કે પોતાના કેબિનેટની પસંદગી કરતી વખતે પણ પ્રધાનમંત્રીએ કોઈ ભૂતપૂર્વ જજ કે બહારના વ્યક્તિની સલાહ લેવી પડશે. મારો સવાલ એ છે કે શું રાજ્યનું કોઈ એક અંગ (ન્યાયતંત્ર) એવી ધારણા બાંધી શકે કે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ ખરાબ દાનતથી કામ કરશે, લોકશાહીના હિતમાં કામ નહીં કરે અને બંધારણીય સિદ્ધાંતોના કલ્યાણ માટે કામ નહીં કરે, માત્ર એટલા માટે કે તેમની પાસે સંખ્યાત્મક બહુમતી છે?"

 વાત PM પર અવિશ્વાસની નહીં, પણ સંસ્થાકીય નિષ્પક્ષતાની

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ સમક્ષ આ સુનાવણી થઈ હતી. સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દો પ્રધાનમંત્રી પર અવિશ્વાસ કરવાનો નથી, પરંતુ ચૂંટણી પંચમાં નિમણૂકો પ્રત્યે જનતાનો વિશ્વાસ અને નિષ્પક્ષતા જાળવી રાખવાનો છે.

તુષાર મહેતાની રજૂઆતોનો જવાબ આપતા જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, અમે પ્રધાનમંત્રી પર વિશ્વાસ કેમ ન કરીએ? ચોક્કસપણે, અમે પ્રધાનમંત્રી પર વિશ્વાસ રાખીશું જ. પરંતુ સવાલ અવિશ્વાસનો નથી, સંસ્થાકીય નિષ્પક્ષતાનો છે. ચૂંટણી કમિશનરો સ્વતંત્ર હોવા જોઈએ. શું ત્યાં નિષ્પક્ષતા દેખાવી ન જોઈએ? 

સરકારે કેસને 'બંધારણીય બેંચ' સમક્ષ મોકલવા કરી માંગ

અટોર્ની જનરલ અને સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને આ મામલો 5 કે તેથી વધુ જજોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવા વિનંતી કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આ અરજીઓમાં બંધારણની કલમ 324ના અર્થઘટન અને આ મામલે સંસદની કાયદાકીય સત્તાઓને લગતા મહત્વના પ્રશ્નો સામેલ છે.

કેન્દ્ર સરકારની બંધારણીય બેંચ માટેની મુખ્ય દલીલો

સુપ્રીમ કોર્ટનો 2023નો અગાઉનો ચુકાદો (જેમાં CJIને કમિટીમાં રાખવા કહ્યું હતું) માત્ર એક વચગાળાની વ્યવસ્થા હતી.
કલમ 324 હેઠળ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને માત્ર એટલા માટે રદ ન કરી શકાય કે તેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જેવા કોઈ "બહારના વ્યક્તિ"ને સામેલ કરવામાં આવ્યા નથી.
જો 2023ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને જ આખરી ગણવામાં આવે, તો સંસદ પાસે આ વિષય પર કાયદો બનાવવાની કોઈ સત્તા જ રહેશે નહીં.
શું સંસદની કાયદો બનાવવાની સત્તા પર કોઈ અપ્રત્યક્ષ બંધારણીય મર્યાદાઓ છે કે નહીં તેનો નિર્ણય મોટા બેંચ દ્વારા થવો જોઈએ.

શું છે સમગ્ર 2023ના કાયદાનો વિવાદ? 

માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે એક ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી ચૂંટણી કમિશનરોની પસંદગી PM, લોકસભાના વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની કમિટી કરશે. જોકે, તેના થોડા જ મહિનાઓ પછી સંસદે 'ચીફ ઈલેક્શન કમિશનર અને અધર ઈલેક્શન કમિશનર્સ (એપોઈન્ટમેન્ટ, કન્ડિશન્સ ઓફ સર્વિસ એન્ડ ટર્મ ઓફ ઓફિસ) એક્ટ, 2023' પસાર કર્યો.

આ નવા કાયદામાં પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નામાંકિત એક કેન્દ્રીય કેબિનેટ મંત્રીને મૂકવામાં આવ્યા. આ ફેરફારને કારણે 3 સભ્યોની કમિટીમાં સત્તાધારી સરકારને 2/3 (બે-તૃતીયાંશ) બહુમતી મળી જાય છે. અરજદારોનો દાવો છે કે આ કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટના 2023ના ચુકાદાને અસરહીન બનાવી દેવાયો છે અને ચૂંટણી પંચની સ્વાતંત્રતા જોખમાઈ છે.