ઓફિસના કમ્પ્યુટર પર WhatsApp Web વાપરો છો? ગૃહ મંત્રાલયની મોટી ચેતવણી, તમારી એક નાનકડી ભૂલથી લીક થઈ શકે છે બધી પ્રાઈવેટ ચેટ!

ઓફિસના કમ્પ્યુટર પર WhatsApp Web વાપરો છો? ગૃહ મંત્રાલયની મોટી ચેતવણી, તમારી એક નાનકડી ભૂલથી લીક થઈ શકે છે બધી પ્રાઈવેટ ચેટ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જો તમે ઓફિસના કે અન્ય કોઈ વ્યક્તિના કમ્પ્યુટર પર WhatsApp Web નો ઉપયોગ કરો છો, તો હવે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની એજન્સી 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) એ WhatsApp Web ના સુરક્ષિત ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે.

બ્રાઉઝર બંધ કરવું એ લોગઆઉટ નથી

જાહેરાત

એજન્સીએ ચેતવણી આપી છે કે જો કોઈ કમ્પ્યુટર પર WhatsApp Web નું લોગ-ઇન સેશન ખુલ્લું રહી જાય, તો અન્ય કોઈ વ્યક્તિ સરળતાથી તમારા મેસેજ વાંચી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર બ્રાઉઝરનું ટેબ કે વિન્ડો બંધ કરી દેવાથી તમારું એકાઉન્ટ લોગઆઉટ થતું નથી; સેશન બેકગ્રાઉન્ડમાં સક્રિય રહે છે.

I4C ના NCTAU દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી

આજના સમયમાં WhatsApp માત્ર મિત્રો અને પરિવાર સાથે વાત કરવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ઓફિસના કામકાજ, મહત્વના દસ્તાવેજો અને બેંકિંગ સંબંધિત મેસેજ પણ તેના પર આવે છે. ઘણીવાર ઓફિસના કમ્પ્યુટર શેર કરવામાં આવતા હોય છે, જેમાં એક નાનકડી બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને I4C ના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) દ્વારા WhatsApp Web ના સુરક્ષિત ઉપયોગ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

કઈ-કઈ માહિતી જોખમમાં મુકાઈ શકે છે?

I4C ના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિને તમારા સક્રિય WhatsApp Web સેશન સુધી અનધિકૃત એક્સેસ મળી જાય, તો નીચે મુજબના જોખમો ઊભા થઈ શકે છે.  તે વ્યક્તિ તમારા અંગત મેસેજ વાંચી શકે છે અને તમારા કોન્ટેક્ટ લિસ્ટ તેમજ ગ્રુપ ચેટ્સ સુધી પહોંચી શકે છે. સાયબર ગુનેગારો તમારા વિશ્વસનીય WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા મિત્રો, સંબંધીઓ કે સહકર્મીઓને મેસેજ મોકલી શકે છે. ઠગ ટોળકી તમારી ઓળખ આપીને તમારા પરિચિતો પાસેથી પૈસા માંગી શકે છે અથવા કોઈ નકલી લિંક મોકલીને તેમને ફિશિંગ અને સાયબર ફ્રોડનો શિકાર બનાવી શકે છે.

આવા કિસ્સાઓમાં ઠગ ટોળકીને સૌથી મોટો ફાયદો એ થાય છે કે મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી નહીં, પરંતુ તમારા અસલી એકાઉન્ટ પરથી જાય છે, જેના કારણે સામેની વ્યક્તિ તરત વિશ્વાસ કરી લે છે. તેથી, કામ પૂર્ણ થયા બાદ હંમેશા WhatsApp Web માંથી યોગ્ય રીતે 'Log out' કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત