VIDEO: "4 ટ્રિલિયનથી સીધા $30 ટ્રિલિયન, ભારત-EU ડીલ વેપાર જગતની સૌથી મોટી ક્રાંતિ સાબિત થશે!": પિયુષ ગોયલનો મોટો દાવો
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) અંગે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ખાતે બેલ્જિયમના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે આ સંભવિત ડીલને ઐતિહાસિક ગણાવી હતી અને ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્યનો રોડમેપ રજૂ કર્યો હતો.
વેપાર જગત માટે મોટો વળાંક
પિયુષ ગોયલે જણાવ્યું કે, "ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારતના નાગરિકો માટે અપાર તકો લઈને આવશે. આ કરારને ‘તમામ વેપાર કરારોની જનની’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ સમજૂતીથી દેશના ખેડૂતો, માછીમારો, લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSMEs) તેમજ ટેક્સટાઈલ, ફૂટવેર, ફૂડ પ્રોસેસિંગ અને હાઈ-ટેક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસની તકો ઊભી થશે."
નકારાત્મકતા ફેલાવનારાઓને જવાબ
વિરોધીઓ પર નિશાન સાધતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સતત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહ્યું છે. તેમણે ઉમેર્યું, "નકારાત્મક વિચારો ધરાવતા લોકો ભલે ગમે તે બોલે, પણ ભારત અટક્યા વિના આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતનું અર્થતંત્ર વર્તમાન $4 ટ્રિલિયનથી વધીને વર્ષ 2047 સુધીમાં $30 ટ્રિલિયન સુધી પહોંચશે."
વિકસિત ભારત 2047નો સંકલ્પ
વાણિજ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. આ એક એવું સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનશે જ્યાં જન્મ લેનારા પ્રત્યેક બાળકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, શિક્ષણ અને શ્રેષ્ઠ તકો સુનિશ્ચિત કરવામાં આવશે.

