પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ નહીં વધે; કેન્દ્ર સરકારની મોટી ખાતરી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ છતાં કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે દેશમાં ઘરેલું એલપીજી અને ઈંધણનો પુરવઠો સ્થિર અને અવિરત રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજી સિલિન્ડરના છૂટક ભાવ વધારવાની કોઈ યોજના નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની કિંમતોમાં વધારો થયો હોવા છતાં, ભારતમાં રિફાઇનરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર જાળવી રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એલપીજી મામલે રવિવારે ઓનલાઈન બુકિંગ વધીને ૯૯ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હોવા છતાં વિતરણ કેન્દ્રો પર કોઈ અછત નથી. સરકારના જણાવ્યા મુજબ, તમામ રિટેલ આઉટલેટ્સ પર પુરવઠો સામાન્ય છે અને નાગરિકોને કોઈપણ વિક્ષેપ વગર ઈંધણ મળતું રહેશે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ દેશની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે સરકાર સતર્ક છે અને ભાવ વધારા અંગેની અટકળોને હાલ પૂરતી ફગાવી દીધી છે.

