'ભાજપે ગેરરીતિ આચરી ચૂંટણી જીતી, હું રાજીનામું નહિ આપું', ચૂંટણીમાં હાર્યા બાદ મમતા બેનર્જીનું નિવેદન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થઈ છે. અમે ચૂંટણી હાર્યા નથી, ભાજપે ચૂંટણી પંચનો દુરુપયોગ કરી જીત મેળવી છે. તેમના કહેવા મુજબ 100થી વધુ બેઠકો લૂંટી લેવામાં આવી છે. અમે ચૂંટણી હાર્યા નથી પણ હરાવવામાં આવી છે. ભાજપના ગુંડાઓએ મારા પર પણ હુમલો કર્યો અને મને પીઠ અને પેટમાં લાત મારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા રાજીનામાંનો કોઈ સવાલ જ નથી, હું લોકભવન જઈ રાજીનામું નહિ આપું.
ભાજપે 100 બેઠકો ચોરી લીધી
મમતા બેનર્જીએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સાથે નહીં, પણ ચૂંટણી પંચ સાથે છે. "મેં મારા જીવનમાં આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી. ચૂંટણી પંચ મુખ્ય વિલન છે. SIR માંથી 90 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા. ભાજપે 100 બેઠકો ચોરી લીધી છે. વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમને હરાવવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કર્યો છે. ભાજપના કાર્યકરોએ અમારા કાર્યકરો પર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન મારી સાથે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન અને તેજસ્વી યાદવે મને ફોન કર્યો છે.

