VIDEO: દિલ્હી રમખાણો: IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈનને દોષિત જાહેર, AAP પર વિપક્ષના પ્રહારો
દિલ્હીના વર્ષ 2020ના રમખાણોના મામલામાં IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. અદાલતે હત્યા, અપહરણ, રમખાણો, ગેરકાયદેસર મંડળી અને કોમી વૈમનસ્ય ફેલાવવા સહિતની ઘણી કલમો હેઠળ ગુનો સાબિત માન્યો છે. આરોપીઓની સજા અંગેનો નિર્ણય કોર્ટ દ્વારા બાદમાં સંભળાવવામાં આવશે.
દિલ્હીના વર્ષ 2020ના રમખાણોના મામલામાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં કડકડડૂમા કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જોકે, કોર્ટે તાહિર હુસૈનને ગુનાહિત કાવતરું (ક્રિમિનલ કોન્સ્પિરેસી) ઘડવાના આરોપમાંથી મુક્ત કર્યો છે. અદાલતે હત્યા, અપહરણ, રમખાણો, ગેરકાયદેસર મંડળી અને કોમી વૈમનસ્ય ફેલાવવા સહિતની ઘણી કલમો હેઠળ ગુનો સાબિત માન્યો છે. આરોપીઓની સજા અંગેનો નિર્ણય કોર્ટ દ્વારા બાદમાં સંભળાવવામાં આવશે.
આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાંથી કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જેમાં તાહિર હુસૈન પણ સામેલ છે. કોર્ટે અન્ય આરોપીઓ અંગે પણ પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદા બાદ દેશભરમાં ન્યાયની માંગ કરી રહેલા લોકોમાં સંતોષની લાગણી છે, જ્યારે બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષી સંગઠનો અને ટીકાકારો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને તેના તત્કાલીન નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આક્ષેપો અનુસાર, સમગ્ર દેશમાં જ્યારે અંકિત શર્માની ઘાતકી હત્યાને લઈને ભારે આક્રોશ હતો, ત્યારે વોટ બેંકની રાજનીતિના કારણે અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને આમ આદમી પાર્ટીએ પીડિત પરિવારના બદલે કથિત રીતે તાહિર હુસૈનનો પક્ષ લીધો હતો. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એ વાતો પણ યાદ કરાવવામાં આવી રહી છે કે સંજય સિંહે તે સમયે જાહેર નિવેદન આપીને હુસૈનને ચિંતા ન કરવાની ખાતરી આપી હતી.
ટીકાકારોનું કહેવું છે કે આ ચુકાદાથી આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો જનતા સામે ખુલ્લો પડ્યો છે, જે દર્શાવે છે કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાના બદલે રમખાણખોરોની પડખે ઊભા રહ્યા હતા. આ કેસ બાદ રાજકીય વિરોધીઓ દ્વારા 'આપ'ને ભ્રષ્ટાચારીઓ અને તોફાની તત્વોની પાર્ટી ગણાવીને દેશભરમાં તેમની પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે, તેમજ આગામી ચૂંટણીઓમાં જનતા તેમને પાઠ ભણાવશે તેવો દાવો કરાઈ રહ્યો છે.
ફેબ્રુઆરી 2020માં થઈ હતી હત્યા
IB ઓફિસર અંકિત શર્માની હત્યા, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન કરવામાં આવી હતી. બાદમાં તેમનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો. આ મામલામાં અંકિત શર્માના પિતાની ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, અંકિત શર્માના શરીર પર ધારદાર હથિયાર અને અન્ય હુમલાના કુલ 51 ઇજાના નિશાન હતા. તેમના માથા, ચહેરા, છાતી, પીઠ અને કમર પર ગંભીર ઘા મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે આ મામલામાં રમખાણો, હત્યા, અપહરણ, પુરાવા નાશ કરવા અને કોમી વૈમનસ્ય ફેલાવવા સહિત ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટના આ નિર્ણયને વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કેસોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય વળાંક માનવામાં આવી રહ્યો છે.
આ કલમો હેઠળ દોષિત જાહેર કરાયા
કોર્ટે તમામ આરોપીઓને હત્યા, અપહરણ, રમખાણો, વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને ગેરકાયદેસર રીતે એકઠા થવા સંબંધિત આરોપોમાં આઈપીસી (IPC)ની કલમ 302, 365, 188, 153A, 147, 148 અને 149 હેઠળ દોષિત ઠેરવ્યા છે. સજા અંગે કોર્ટ અલગથી ચુકાદો સંભળાવશે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ભીષણ કોમી રમખાણો થયા હતા, જે નાગરિકતા સુધારા કાયદા (CAA)ના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણ બાદ અચાનક હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગયા હતા. આ હિંસા દરમિયાન તોફાનીઓએ ઘરો, દુકાનો, વાહનો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને આગચંપી કરી હતી, જેના પરિણામે 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

