અમદાવાદ વિમાન દુર્ઘટનાની થીમથી વિવાદ, કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો VIDEO વાયરલ
પશ્ચિમ બંગાળમાં જુદી જુદી થીમના દુર્ગા પૂજા પંડાલ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાંથી એક પંડાલની થીમના કારણે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં પણ આ થીમની ભારે ટીકા થઈ છે. કોલકાતામાં એક દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદની વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ થીમ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને તેને પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વિવાદ
આ પંડાલના વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. દુર્ગા પૂજા પંડાલના વિડિયો પરથી જાણી શકાય છે કે થીમ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના પર છે. વિમાનનો કાટમાળ બિલ્ડિંગમાં તૂટી પડ્યો એ ઘટનાને પંડાલની થીમમાં બતાવવામાં આવ્યું છે. લોકોએ આ વિડિયો જોઈને લખ્યું કે કળાની અભિવ્યક્તિ અને સંવેદનશીલ બાબતોનો ભેદ સમજવો જરૂરી છે.
કળાની અભિવ્યક્તિ કે અસંવેદનશીલતા?
તેનાથી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે અપમાન થયું છે. વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભરાય એવો ઘાવ આપ્યો છે. આવી થીમ બનાવવી તેમાં કળાની અભિવ્યક્તિ નથી. આમાં તો અસંવેદનશીલતા દેખાય છે.
આયોજકોએ કરી સ્પષ્ટતા
વિવાદ વધતા આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તૂટેલું એરક્રાફ્ટ અને કાટમાળની થીમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. વળી, જેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એ જવાનોને પણ આમાં ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ છે. જોકે, લોકોએ આ દલીલને માન્ય રાખી ન હતી અને આવી હરકતને શરમજનક ગણાવી હતી.

