20 બેઠકો છતાં કોંગ્રેસ સત્તાથી વંચિત; 2 કોર્પોરેટર ધરાવતા ભાજપના મુસ્લિમ ઉમેદવાર બન્યા અધ્યક્ષ!

રાજસ્થાનના નોહર નગરપાલિકા ચૂંટણીમાં એક અત્યંત રોમાંચક અને ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં આંકડાઓને હાસ્યાસ્પદ બનાવીને બાજી પલટાઈ ગઈ છે. 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા નોહર નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીએ 40માંથી 20 વોર્ડ જીતીને સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 2 જ બેઠકો આવી હતી. બાકીની 18 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી થયા હતા. આ અંકગણિત જોતા કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી, પરંતુ અંતિમ પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે.
સોમવારે યોજાયેલા નગરપાલિકા અધ્યક્ષના ચૂંટણી જંગમાં મોટો પલટો જોવા મળ્યો. ભાજપે પોતાની રણનીતિ બદલીને અપક્ષ તરીકે જીતેલા 62 વર્ષીય મુસ્લિમ મહિલા હાજન ખાતુન તકને પોતાની સાથે જોડી લીધા અને તેમને અધ્યક્ષપદના ઉમેદવાર બનાવ્યા. સાત દિવસ સુધી ચાલેલી પડદા પાછળની જોરદાર રાજકીય જોડતોડના અંતે જ્યારે કાઉન્સિલરોએ મતદાન કર્યું, ત્યારે ભાજપના ઉમેદવાર હાજન ખાતુન તકને પણ કોંગ્રેસના ઉમેદવાર સુમિત ચાચનની જેમ બરાબર 20-20 મત મળ્યા. આમ, માત્ર બે બેઠકો ધરાવતી ભાજપનો આંકડો સીધો 20 વોટો સુધી પહોંચી ગયો.
બ બંને પક્ષોને સમાન 20-20 મત મળતા ગૃહમાં ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. નિયમ મુજબ ફરી મતદાનની કોઈ જોગવાઈ ન હોવાથી વિજેતા નક્કી કરવા માટે લોટરી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો. એક નાની બાળકીએ કાગળની મુડેલી પર્ચી ઉપાડી, જેના પર હાજન ખાતુન તકનું નામ નીકળ્યું. આ સાથે જ ભાજપ સમર્થિત હાજન ખાતુન તક નોહર નગરપાલિકાના નવા અધ્યક્ષ જાહેર થયા.
ઉલ્લેખનીય છે કે હાજન ખાતુન તકનો પરિવાર અગાઉથી જ રાજકારણમાં સક્રિય રહ્યો છે. તેમના દિવંગત પતિ મંજૂર અલી તક પણ આ જ નગરપાલિકાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમજ તેઓ રાજસ્થાન સરકારના પૂર્વ રાજય મંત્રી મેહરુનિસ્સા તકનાં સાસુ છે. બીજી તરફ, ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાચનના નજીકના સહયોગીઓ અને નેતાઓના ઘરો પર પોલીસે જમીન કૌભાંડના મામલે નોટિસ ચોંટાડવાની કાર્યવાહી કરતા રાજકીય ગરમાવો પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

