VIDEO: "ભગવાન ગણેશની સરખામણી મત ચોર સાથે?" ભાજપ પ્રવક્તાના નિવેદન પર ભડક્યા રાજીવ શુક્લા
ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાજીવ શુક્લાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યંત શખ્ત શબ્દોમાં પ્રહાર કર્યા છે. ભાજપના એક પ્રવક્તા દ્વારા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 'ગણેશ કુમાર' તરીકે સંબોધવા મામલે રાજીવ શુક્લાએ આકરો વાંધો ઉઠાવતા તેને શરમજનક ગણાવ્યું છે.
ભગવાન ગણેશની સરખામણી પર ઉઠાવ્યા સવાલ
મીડિયા સાથે વાત કરતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, "ભાજપના પ્રવક્તા દ્વારા જ્ઞાનેશ કુમારને 'ગણેશ કુમાર' કહેવું અત્યંત શરમજનક છે. જે વ્યક્તિ પર ગંભીર આક્ષેપો છે, ચોરી, ભ્રષ્ટાચાર અને મતોની ચોરીના આરોપો લાગેલા છે, તેમની સરખામણી આ લોકોએ આરાધ્ય દેવ ભગવાન ગણેશ સાથે કરી દીધી! આ માત્ર રાજકીય નિમ્નતા નથી, પરંતુ કરોડો લોકોની આસ્થાનું પણ અપમાન છે."
'સુપ્રીમ કોર્ટ પણ કહી રહી છે કે ગેરરીતિ થઈ રહી છે'
કોંગ્રેસ સાંસદે સર્વોચ્ચ અદાલતનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું કે, "ખુદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કહી રહ્યા છે કે ખોટું અને ગેરરીતિ થઈ રહી છે. બંધારણીય મૂલ્યોનું હનન થઈ રહ્યું છે ત્યારે વિપક્ષ શાંત બેસી શકે નહીં. આ જ કારણ છે કે આજે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે."
તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા ઉમેર્યું હતું કે લોકશાહી અને બંધારણના રક્ષણ માટે શરૂ થયેલું આ આંદોલન અહીં અટકવાનું નથી, પરંતુ વધુ ઉગ્રતા સાથે ચાલુ રહેશે. વિપક્ષી નેતાના આ આક્રમક નિવેદન બાદ બંને પક્ષો વચ્ચેનો વાકયુદ્ધ વધુ તેજ બન્યો છે.

