VIDEO: CM હિમંતા બિસ્વા સરમાએ જાતે ડ્રાઈવર બની કરોડોના ડ્રગ્સ પર ફેરવ્યું રોડ રોલર!
અસમ સરકારે નશાના કારોબાર સામેની પોતાની કાર્યવાહીને વધુ વેગ આપતા રવિવારે નલબાડી જિલ્લામાં રાજ્ય કક્ષાના ડ્રગ્સ ડિસ્પોઝલ (નિકાલ) કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સીએમ હિમંતા બિસ્વા સરમાએ પોતે રોડ રોલર ચલાવ્યું અને માદક પદાર્થોના જથ્થાને નષ્ટ કર્યો.
આ કાર્યક્રમ દૌલાસાલ ખાતે આવેલી ૧૪મી અસમ પોલીસ બટાલિયનના પરિસરમાં યોજાયો હતો. આ દરમિયાન પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા 472 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અસમને નશામુક્ત બનાવવા માટે સતત અભિયાન ચલાવી રહી છે અને ડ્રગ તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
સરમાએ ઉમેર્યું કે, યુવાનોને નશાથી બચાવવા એ સરકારની પ્રાથમિકતા છે અને આ માટે કાયદો અમલીકરણ એજન્સીઓ સંપૂર્ણ મજબૂતી સાથે કામ કરી રહી છે. સરકારનું માનવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી માત્ર તસ્કરોનું મનોબળ જ નહીં તૂટે, પરંતુ સમાજમાં નશાની વિરુદ્ધ એક મજબૂત સંદેશ પણ જશે.

