VIDEO: CJP પ્રદર્શન કેસ; સુપ્રીમ કોર્ટમાં 13 FIR રદ કરવાની દિલ્હી પોલીસની તૈયારી, 2,873 સામે તપાસ ચાલુ રહેશે
દિલ્લીમાં CJP વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા 13 કેસને લઈને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ દિલ્લી પોલીસ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યાં 13 કેસમાં આગળની કોઈપણ પ્રકારની કાર્યવાહી ના કરવાની પોલીસે બાહેંધરી આપી છે. CJP વિરોધ પ્રદર્શન બાદ થયેલા કેસને લઈને દિલ્હી પોલીસે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે, તે જુલાઈ મહિનામાં થયેલા CJP (સિટિઝન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ) ના વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા 13 કેસોમાં આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે માત્ર ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા 2,873 લોકો સામે જ તપાસ અને આગળની કાર્યવાહી કરશે.
સુપ્રીમ કોર્ટમાં કલમ 142નો ઉપયોગ
દિલ્હી પોલીસે કેન્દ્ર સરકારની સૂચના મુજબ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. પોલીસે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી 13 એફઆઈઆર (FIR) રદ કરવાની માંગ કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસની ઝડપી સુનાવણી માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજી પર સુનાવણી હાથ ધરવા સંમતિ દર્શાવી છે.
ગંભીર રેકોર્ડ ધરાવતા 2,873 લોકોને રાહત નહીં
અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 13 કેસો રદ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિરોધ પ્રદર્શનના સ્થળે ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા 2,873 લોકો હાજર હતા. હિંસા, શારીરિક નુકસાન અથવા સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આ લોકોની શું ભૂમિકા હતી તેની તપાસ કરવી જરૂરી છે. તેથી દિલ્હી પોલીસે આ 2,873 શંકાસ્પદ વ્યક્તિઓ સામે નવી FIR નોંધીને તપાસ કરવાની પરવાનગી સુપ્રીમ કોર્ટ પાસે માંગી છે.
જાહેર હિતને ધ્યાને રાખી નિર્ણય
દિલ્હી પોલીસે પોતાની સુપ્રીમ કોર્ટની અરજીમાં સ્પષ્ટ કર્યું છે કે, તે જાહેર હિત અને કેસની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બંધારણની કલમ 142 હેઠળ આ 13 FIR રદ કરવાની અને નવી તપાસ શરૂ કરવાની મંજૂરી માંગી રહી છે. અદાલત આ નિર્ણયને માત્ર વિશેષ કિસ્સા તરીકે જ ગ્રાહ્ય રાખે અને તેને ભવિષ્ય માટે નઝીર ન માને તેવી વિનંતી પણ કરવામાં આવી છે. CJP એ દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે, તેવા સમયે જ આ કાનૂની ઘડતર સામે આવ્યું છે.

