VIDEO: ગુવાહાટીમાં CJP નેતા આશુતોષ રાંકાની અટકાયત, અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાનો દીપકેનો દાવો
આસામના ગુવાહાટી ખાતેથી કોકરોચ જનતા પાર્ટીના સહ-સ્થાપક આશુતોષ રાંકા અને તેમના સાથી કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. પક્ષની પ્રથમ પ્રાદેશિક બેઠક શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના બાદ સંગઠનના સ્થાપકે દાવો કર્યો છે કે પોલીસ ટીમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને વકીલોને પણ તેમની મુલાકાત કરવા દેવામાં આવી રહી નથી.
ગુવાહાટીમાં આયોજિત પ્રાદેશિક બેઠક પહેલાં જ ધરપકડ
કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ પ્રાદેશિક બેઠકમાં ભાગ લેવા માટે આશુતોષ રાંકા (Ashutosh Ranka) પોતાની ટીમ સાથે 26 સપ્ટેમ્બરના રોજ આસામ પહોંચ્યા હતા. આ બેઠક આસામ સચિવાલય નજીક એક ખાનગી સ્થળે યોજાવાની હતી, જેમાં રાજ્યમાં આવેલા પૂરની સ્થિતિ, મતદાર યાદી સુધારણા અને સંગઠનના વિસ્તરણ અંગે ચર્ચા થવાની હતી. આ બેઠકમાં આશરે 200 થી 300 જેટલા કાર્યકરો હાજર રહેવાના હતા, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ પોલીસે ત્યાં પહોંચીને તમામની અટકાયત કરી લીધી હતી.
પોલીસ વાહનમાં બેસીને સોશિયલ મીડિયા પર વીડિયો જારી કર્યો
અટકાયત દરમિયાન એક વાહનમાં બેસીને વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Assam CM Himanta Biswa Sarma) જનતાની સામે સત્ય બહાર આવવાથી ડરી ગયા છે. તેમણે જણાવ્યું કે તેમની ટીમ સરકારી શાળાઓની વાસ્તવિક દુર્દશા, માનવસર્જિત પૂરની ગંભીર સ્થિતિ અને કાઝીરંગામાં કોર્પોરેટ લાભ માટે સ્થાનિક લોકો પાસેથી જમીન, જંગલ અને પાણીના હકો છીનવાઈ રહ્યા હોવાની હકીકત દેશ સમક્ષ ઉજાગર કરવા માંગતી હતી. શાંતિપૂર્ણ સભા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કાર્યકરોને ધમકાવીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
વકીલોને મળવા ન દેવાતા હોવાનો સ્થાપકનો ગંભીર આક્ષેપ
પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke) સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સવારે કાર્યક્રમના સ્થળે કાર્યકરો પહોંચે તે પહેલાં જ તેમને રોકી લેવાયા હતા અને સમગ્ર ટીમને ક્યાં લઈ જવાઈ છે તેની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ઘટનાસ્થળે વકીલો હાજર હોવા છતાં પોલીસ તેમને કાયદાકીય મદદ માટે મળવાની મંજૂરી આપી રહી નથી. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ કે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

