VIDEO: દીપકેની અટકાયત બાદ CJPનું એલાન: હવે આ નેતા સંભાળશે આંદોલનની કમાન, દેશભરમાં વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સહિત ત્રણ અગ્રણી નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસની કાર્યવાહી છતાં પાર્ટીએ આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. દીપકેનો પ્રી-રેકોર્ડેડ વીડિયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની અટકાયત બાદ અજિંક્ય શિંદે આંદોલનનું નેતૃત્વ કરશે તેવી જાહેરાત કરી છે.
જંતરમંતર પર પ્રદર્શન પહેલાં પોલીસની કાર્યવાહી
શનિવાર, 10 ઓક્ટોબર 2026ના રોજ દિલ્હીના જંતરમંતર ખાતે CJPના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસે કાર્યવાહી કરી હતી. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, દીપકેને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI Airport) પર વિમાનની અંદરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ વિમાનમાં પહોંચ્યા બાદ CJPના નેતાઓ સાથે વાતચીત થઈ હતી અને ત્યારબાદ તેમને સાથે લઈ જવામાં આવ્યા હતા.
પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં દીપકેએ શું કહ્યું?
અટકાયતની શક્યતાને ધ્યાનમાં રાખીને અભિજીત દીપકેનો અગાઉથી રેકોર્ડ કરાયેલો વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે જો લોકો આ વીડિયો જોઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે તેમને, આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આવી સ્થિતિમાં હવે અજિંક્ય શિંદે આંદોલનનું નેતૃત્વ કરશે.
આ સંદેશ દ્વારા દીપકેએ આંદોલનને નેતૃત્વના અભાવે અટકી ન જાય તે માટે જવાબદારી અન્ય નેતાને સોંપવાની વાત કરી છે.
'ઇન્દિરા ગાંધીના સમય કરતાં પણ ખરાબ સ્થિતિ'
પોલીસની કાર્યવાહી બાદ દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ સ્થિતિને પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળ કરતાં પણ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ ધરપકડ માટે તૈયાર હતા. તેમના નિવેદનથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પર CJP અડગ
કોકરોચ જનતા પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. પાર્ટીનું કહેવું છે કે નેતાઓ કસ્ટડીમાં હોય કે નહીં, આંદોલન અટકશે નહીં.
CJPએ દેશના યુવાનો અને નાગરિકોને આગળ આવીને આંદોલનનું નેતૃત્વ સંભાળવાની અપીલ કરી છે. પાર્ટીએ મહાત્મા ગાંધી અને ડૉ. બી.આર. આંબેડકરના સિદ્ધાંતોને અનુસરીને લોકશાહી માટે અવાજ ઉઠાવવાની વાત પણ કરી છે.
દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ હવે આંદોલનનું નેતૃત્વ અજિંક્ય શિંદે કેવી રીતે સંભાળે છે અને CJPનો વિરોધ દેશના અન્ય વિસ્તારોમાં કેટલો વ્યાપક બને છે, તેના પર સૌની નજર રહેશે.

