બેડમિન્ટન રમવા માટે લંડન ગયા હતા CJI સૂર્યકાંત? 2 મંત્રી પણ હતા સાથે, HCએ કેન્દ્ર સરકારને શું કહ્યું?

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને કેન્દ્રીય મંત્રીઓનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વિડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી હતી કે દેશના ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કેન્દ્રીય મંત્રીઓ સરકારી ખર્ચે (Government Expenses) બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમવા માટે લંડન ગયા હતા. આ ભ્રામક વાયરલ પોસ્ટ્સની દિલ્હી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને શુક્રવારે સુનાવણી દરમિયાન મહત્વના સંકેત આપ્યા છે.
દિલ્હી હાઈકોર્ટની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કડક ચેતવણી
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ તેજસ કારિયાએ મૌખિક ટિપ્પણી કરી હતી કે, સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ અને ભ્રામક ફેક ન્યૂઝ (Fake News) ફેલાવનારા યૂઝર્સની મૂળભૂત વિગતો (Basic Information) આપવા માટે ફેસબુક, ટ્વિટર (X) કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સને કાનૂની રીતે બાધ્ય કરી શકાય છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે, "કોર્ટ આદેશ આપી શકે છે કે આવા તમામ ભ્રામક પોસ્ટ શેર કરનારા યૂઝર્સનો ડેટા આઇટી મંત્રાલયને (IT Ministry) સોંપવામાં આવે. ત્યાર બાદ આઇટી એક્ટ (IT Act) ના નિયમો મુજબ આગળની કાર્યવાહી સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે. આખરે આ સોશિયલ મીડિયા કંપનીઓ પણ એક મધ્યસ્થી (Intermediaries) તરીકે કામ કરે છે અને તેઓ કાયદાથી ઉપર નથી."
લંડનની નહીં પણ દિલ્હીના સ્ટેડિયમની છે તસવીરો: કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ વાયરલ ફેક દાવાની આખી પોલ ખોલી નાખી હતી. તેમણે અદાલતને સત્તાવાર રીતે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને વિડિયો તદ્દન જૂઠા, મનઘડંત અને ભ્રામક છે.
સૌથી મોટો ખુલાસો કરતા તેમણે કહ્યું કે:
"સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરીને લંડનની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે હકીકતમાં લંડનની છે જ નહીં. આ તસવીરો નવેમ્બર ૨૦૨૫માં દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં (Thyagaraj Stadium, Delhi) આયોજિત એક સ્થાનિક બેડમિન્ટન કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી હતી."
સરકાર તરફથી સત્ય પબ્લિક પ્લેટફોર્મ પર સ્પષ્ટ કરવામાં આવ્યું હોવા છતાં ઇન્ટરનેટ પર આ ફેક નેરેટિવ (Fake Narrative) સતત ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓની છબી ખરડાઈ રહી છે. તેથી આ ભ્રામક પોસ્ટની શરૂઆત કરનારા મુખ્ય જવાબદારોની ઓળખ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે.
કોની-કોની તસવીરોનો થયો હતો દુરુપયોગ?
સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરાયો હતો કે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત (CJI Surya Kanta), સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ વિક્રમ નાથ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ લંડન પ્રવાસે ગયા હતા. બેડમિન્ટન એસોસિએશને આ બદનામી સામે વાંધો ઉઠાવીને તમામ વીડિયો અને પોસ્ટ ડિલીટ (Delete Post) કરવાની માંગ કરી છે. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત (Order Reserved) રાખ્યો છે.

