VIDEO: "CBI, IT અને ED હવે માત્ર 'પાંજરાના પોપટ', કર્ણાટક મંત્રીના ઘરે રેડ બાદ મોદી સરકાર પર કોંગ્રેસ નેતાના પ્રહાર
કર્ણાટકના લોકનિર્માણ વિભાગ (PWD)ના મંત્રી સતીશ જારકીહોલી અને તેમના પરિવાર સાથે સંકળાયેલા 18 જેટલા સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કાર્યવાહી સામે કોંગ્રેસ નેતા અને કેબિનેટ મંત્રી પ્રિયંક ખડગેએ કેન્દ્ર સરકાર તથા તપાસ એજન્સીઓ સામે આકરા પ્રહારો કર્યા છે.
પ્રિયંક ખડગેએ કેન્દ્રીય એજન્સીઓની સ્વાયત્તતા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, "CBI, IT અને ED હવે માત્ર 'પાંજરાના પોપટ' બનીને રહી ગયા છે. તેઓ કેન્દ્ર સરકારના ઈશારે નાચતી કઠપૂતળીઓ છે. કેન્દ્ર સરકાર આ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને માનસિક રીતે હેરાન કરવાનું કામ કરી રહી છે."
તેમણે તપાસ એજન્સીઓના આંકડા રજૂ કરતા દાવો કર્યો હતો કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં એજન્સીઓએ 196 દરોડા પાડ્યા છે, જેમાંથી માત્ર બે જ કેસમાં સજા થઈ શકી છે. આટલું જ નહીં, કુલ દરોડામાંથી 98 ટકા રેડ માત્ર વિપક્ષી નેતાઓ પર જ કરવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે આ તમામ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે."
ખડગેએ વધુમાં ઉમેર્યું કે તપાસ એજન્સીઓ અદાલતમાં કંઈ પણ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. માત્ર મીડિયા માટે પ્રેસ નોટ જાહેર કરી દેવાથી આરોપો સાચા કે હકીકત બની જતા નથી.
મંત્રી સતીશ જારકીહોલીના ઠેકાણાઓ પર EDના દરોડા બાદ રાજ્યમાં શાસક પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર વધુ તેજ બન્યો છે.

