સુભાષ ચંદ્રા સામે CBIનો સકંજો; LIC હાઉસિંગ સાથે ₹1,322 કરોડની છેતરપિંડી બદલ FIR દાખલ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઝીના સ્થાપક સુભાષ ચંદ્રા અને અન્ય લોકો સામે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે કથિત રીતે આશરે રૂ. 1,322 કરોડની છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કર્યો છે.
CBI હેડ ઓફિસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિવિધ કંપનીઓના નામે સેંકડો કરોડની લોન સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી અને નેટવર્થ સર્ટિફિકેટના આધારે મંજૂર કરવામાં આવી હતી, જેમાં પાછળથી ડિફોલ્ટ સર્જાયું હતું.
CBI દ્વારા 31 ઓગસ્ટના રોજ નોંધવામાં આવેલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) માં સુભાષ ચંદ્રાને આરોપી નંબર 1 તરીકે નામિત કરવામાં આવ્યા છે. તેમની સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આરોપો બિઝનેસ એક્સપાન્શન અને રેન્ટલ સિક્યોરિટાઇઝેશન માટે LICHFL દ્વારા વિવિધ કંપનીઓને આપવામાં આવેલી લોન સુવિધાઓ સાથે સંબંધિત છે, જેમાં સુભાષ ચંદ્રાએ પર્સનલ કંટીન્યુઇંગ ગેરંટી આપી હતી.
કઈ બે કંપનીઓને અપાઈ હતી કરોડોની લોન?
વસંત સાગર લોન ફેસિલિટી (₹500 કરોડ):
વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા પેન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને ₹500 કરોડની લોન આપવામાં આવી હતી.
ડિજિટલ લોન ફેસિલિટી (₹480 કરોડ):
ડિજિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને સ્કીમ ઓફ રેન્ટલ સિક્યોરિટાઇઝેશન હેઠળ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી તરીકે ₹480 કરોડની લોન આપવામાં આવી હતી.
59 હજાર કરોડની નેટવર્થ બતાવી, પાછળથી ફરી ગયા
આ બંને લોન મંજૂર કરવાનો નિર્ણય સુભાષ ચંદ્રા દ્વારા વર્ષ 2018માં સબમિટ કરવામાં આવેલા નેટવર્થ સર્ટિફિકેટ્સના આધારે લેવામાં આવ્યો હતો:
વસંત સાગર લોન માટે સુભાષ ચંદ્રાએ સબમિટ કરેલા સર્ટિફિકેટમાં પ્રમાણિત કર્યું હતું કે 31 માર્ચ 2017 સુધીમાં તેમની નેટવર્થ ₹59,113 કરોડ હતી.
ડિજિટલ લોન માટે: 6 જુલાઈ 2018 ના રોજ તેમણે આપેલા નેટવર્થ સર્ટિફિકેટમાં જણાવ્યું હતું કે તેમની નેટવર્થ ₹40,562 કરોડ હતી.
ત્યારબાદ આ બંને લોન એકાઉન્ટ્સ ડિફોલ્ટ થયા હતા.
પાછળથી કહ્યું- મારી પાસે ક્યારેય આટલા રૂપિયા હતા જ નહીં
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ સુભાષ ચંદ્રાના પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની કાર્યવાહી દરમિયાન તેમણે સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે તેમની પાસે તે સર્ટિફિકેટ્સમાં દર્શાવેલી નેટવર્થ હતી, જે તેમણે લોન મંજૂર કરાવવા માટે LICHFL સમક્ષ રજૂ કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે વર્ષ 2017-18 માં પણ તેમની પાસે ક્યારેય ₹40,000 કરોડથી વધુની નેટવર્થ નહોતી.
આરોપીઓ દેશ છોડી ભાગવાની ફિરાકમાં હતા: LICHFL નો આક્ષેપ
CBI સમક્ષ તપાસની માંગ કરતાં LICHFL એ જણાવ્યું હતું કે, તે સ્પષ્ટ જણાય છે કે સુભાષ ચંદ્રા અને અન્ય આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના સામાન્ય ગુનાહિત અને અપ્રમાણિક ઈરાદા સાથે અંદરોઅંદર સાંઠગાંઠ કરી છે. આરોપીઓએ જાહેરમાં ભારત છોડીને જવાનો પોતાનો ઈરાદો દર્શાવ્યો છે અને તેઓ તેમ કરી શકે તેવી પૂરી સંભાવના છે, જ્યાં સુધી કે FIR નોંધીને લોનના નાણાં અને આરોપીઓની અસ્કયામતો શોધવા માટે વહેલી તકે તપાસ શરૂ કરવામાં ન આવે.
NCLT પ્લાન: ₹22,006 કરોડના ક્લેઇમ સામે માત્ર ₹6.5 કરોડ ચૂકવવાની ઓફર
ગયા મહિને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી હતી, જે હેઠળ તેમણે માત્ર ₹6.5 કરોડ ચૂકવવાના હતા. નોંધનીય છે કે આ કેસમાં મૂળ દાવો આશરે ₹22,006.57 કરોડનો હતો. જોકે, પાછળથી 5 સભ્યોની લાર્જર બેન્ચે આ ઓર્ડર પર સ્ટે મૂકી દીધો હતો.

