VIDEO: ગુરુગ્રામમાં મહિલા બાઈકરનો કારચાલકે પીછો કરી મારી ટક્કર, ઘટનાનો વીડિયો વાયરલ
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં એક મહિલા બાઈકર સાથે બનેલી ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ (Golf Course Road) પર એક કારે મહિલા બાઈકરને કથિત રીતે ટક્કર મારી હતી. આ ઘટનામાં મહિલા બાઈકર ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ પોલીસે શરૂ કરી છે.
મહિલા બાઈકરની ઓળખ સિયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, સિયા રવિવારે અન્ય બાઈકર્સ સાથે રાઈડ પર નીકળી હતી. આ દરમિયાન એક સફેદ રંગની સેડાન કાર (Sedan Car) તેનો પીછો કરી રહી હોવાનો તેણે દાવો કર્યો હતો. સિયાના જણાવ્યા અનુસાર, કારચાલક આક્રમક રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને તે સતત તેની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સેફ ડિસ્ટન્સ રાખવા કહ્યું, પરંતુ કારચાલકે પીછો કર્યો
સિયાએ કારચાલકને પોતાનાથી સલામત અંતર (Safe Distance) જાળવવા કહ્યું હતું. જોકે, તેના દાવા પ્રમાણે કારમાં સવાર વ્યક્તિએ તેને રસ્તાની બાજુમાં વાહન રોકવાનું કહ્યું હતું. સિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કારમાં સવાર લોકો દારૂના નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. કારમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે તાત્કાલિક સ્પષ્ટતા થઈ નહોતી.
સિયાએ કારથી આગળ રહેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કારચાલક તેની બાઈકની આગળ આવીને રસ્તો રોકી ન શકે. આ દરમિયાન તેની સાથે રાઈડ કરી રહેલા અન્ય એક બાઈકરે પણ તેની પાછળ જઈ કારથી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
અચાનક કાર વળી અને બાઈકને મારી ટક્કર
ઘટનાએ ત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે સફેદ સેડાન અચાનક વળી અને સિયાની બાઈકને સાઈડથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સિયા બાઈક પરથી રસ્તા પર પટકાઈ હતી. તેની બાઈક રસ્તા પર ઘસડાઈ હતી અને તેમાંથી તણખા (Sparks) નીકળતા જોવા મળ્યા હતા.
મહિલાની બાઈક પર લગાવેલા એક્શન કેમેરા (Action Camera)માં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
અન્ય બાઈકરે કારનો પીછો કર્યો
ઘટના બાદ સિયાની સાથે રહેલા અન્ય એક બાઈકરે હેલ્મેટ પર લગાવેલા કેમેરાથી કારનો પીછો કર્યો હતો. ટ્રાફિક સિગ્નલ પાસે કાર રોકાઈ ત્યારે તેણે કારચાલકનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડા સમય બાદ કારચાલક ફરી કાર ભગાવી ગયો હતો.
ઘટના બાદ સિયાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જાતે કેસ નોંધી તપાસ શરૂ કરી
વીડિયો સામે આવ્યા બાદ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે (Traffic Police) મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે પોતાની તરફથી કેસ નોંધ્યો છે અને કારચાલકની ઓળખ કરીને તેને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
કાર માલિકે કહ્યું- હું શહેરમાં નહોતો
બીજી તરફ, કારના માલિકે જણાવ્યું હતું કે ઘટના સમયે કાર તે પોતે ચલાવી રહ્યો નહોતો. તેના કહેવા પ્રમાણે, તેણે પોતાની કાર પોતાના સ્કૂલના મિત્રને બે દિવસ માટે આપી હતી. બાદમાં તેના મિત્રે કાર અન્ય એક વ્યક્તિને આપી હોવાનું માલિકે જણાવ્યું હતું.
કાર માલિકે કહ્યું કે તે પોતે શહેરમાં નહોતો અને ભારતીય સેનામાં સેવા આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ તેને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. તેણે એવો પણ દાવો કર્યો કે તેને હજુ સુધી પોલીસે આ મામલે સંપર્ક કર્યો નથી.
હવે પોલીસ કાર ચલાવનાર વ્યક્તિને શોધી રહી છે. સીસીટીવી ફૂટેજ, વાયરલ વીડિયો અને કારના માલિક પાસેથી મળતી માહિતીના આધારે સમગ્ર ઘટનાની કડીઓ જોડવામાં આવી રહી છે

