VIDEO: ગુજરાત આવ્યા ને મોટો નિર્ણય લઈ ગયા! મધ્યપ્રદેશના CM મોહન યાદવે એવું તે શું બેન કર્યું કે મચ્યો ભારે ખળભળાટ?
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પોતાની અમદાવાદ મુલાકાત દરમિયાન રાજ્યના આર્થિક વિકાસ અને જાહેર આરોગ્યને લઈને બે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. અમદાવાદ ખાતે ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની 'અરવિંદ લિમિટેડ' ના માલિકો સાથેની સફળ બેઠક બાદ તેમણે મધ્યપ્રદેશમાં મોટા રોકાણ અને એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટતા કરી છે.
અરવિંદ ગ્રુપ મધ્યપ્રદેશમાં સ્થાપશે 3 મોટા યુનિટ, યુવાનોને મળશે રોજગારી
સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે, "મેં અમદાવાદમાં અરવિંદ લિમિટેડના માલિક સાથે મુલાકાત કરી છે. ગુજરાત ઉપરાંત અરવિંદ ગ્રુપ હવે મધ્યપ્રદેશમાં પણ એક વિશાળ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તે 'પીએમ મિત્ર પાર્ક' ખાતે આગામી વર્ષથી ઉત્પાદન શરૂ થઈ જશે. અરવિંદ ગ્રુપ મધ્યપ્રદેશમાં બરલાઈ (દેવાસ) નજીક પીએમ મિત્ર પાર્ક અને બેતમા સહિત ત્રણ અલગ-અલગ સ્થળોએ પોતાના ઉત્પાદન એકમો સ્થાપી રહ્યું છે, જેનાથી રાજ્યના હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
બીજી તરફ, ખાદ્ય સુરક્ષા અને લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રીએ રાજ્યમાં 'એનાલોગ પનીર' પર પ્રતિબંધ મૂકવાની મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમે મધ્યપ્રદેશમાં એનાલોગ પનીરના વપરાશ અને વેચાણને પ્રોત્સાહન ન આપવાનો તેમજ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે કુદરતી ડેરી ઉત્પાદનોની શુદ્ધતાના આધારે જ મધ્યપ્રદેશની ઓળખ બનાવવા માંગીએ છીએ. એક તરફ જ્યારે અમે દૂધનું ઉત્પાદન વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આવી કોઈપણ કૃત્રિમ કે ભેળસેળયુક્ત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં."
એનાલોગ પનીર એ અસલી દૂધને બદલે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને પ્રોટીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું બનાવટી પનીર છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયથી રાજ્યના લોકો માટે શુદ્ધ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

