VIDEO: ગુજરાતમાં ખરીફ વાવેતર 85 ટકા પૂર્ણ, કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57થી વધુ યોગદાન રહ્યું છે. ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89 ટકા છે. ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ 107 ટકા વાવેતર પૂર્ણ દર્શાવે છે. તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 25.93 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 88 ટકા નોંધાયું છે. જેમાં મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર 2.38 લાખ હેક્ટર અને તલનું વાવેતર 14 હજાર 581 હેક્ટરમાં થયું છે.

