VIDEO: ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી, ક્રૂડ ઓઇલ ચોરી કરતી ગેંગના 8 શખ્સોની ધરપકડ
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે મોટી કાર્યવાહી કરી ક્રૂડ ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ HPCLની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઇલની ચોરી કરતી હતી. ક્રૂડ ઓઇલની ચોરી કરનાર કુલ 8 ઇસમોની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુડી ગામની સીમમાંથી આરોપીઓ ક્રૂડ ઓઇલની ચોરી કરતાં હતા. ચોરોએ પાઇપલાઇનમાં ૩-૪ ફૂટ ઊંડો ખાડો કરી પંચર પાડી વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલ ચોરી કરતાં હતા.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ક્રૂડ ઓઇલ વેચવાનું કાવતરું
આ ચોરીનું ક્રૂડ ઓઇલ અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું કાવતરું હતું. પોલીસે કુવાડવા નજીક સોખડા ગામ રસ્તેથી એક ઇસમની અટકાયત બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જે બાદ રાજસ્થાનના ટાપરા જોડેના ઢાબા પરથી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઇસમોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

