ગાઝિયાબાદમાં પોલીસ ચોકીમાં બ્લાસ્ટ: બારીઓના કાચ તૂટ્યા, ફૂડ ડિલિવરી બોય ઈજાગ્રસ્ત; ATS અને બોમ્બ સ્ક્વોડ સ્થળ પર દોડ્યા

ગાઝિયાબાદમાં પોલીસ ચોકીમાં બ્લાસ્ટ: બારીઓના કાચ તૂટ્યા, ફૂડ ડિલિવરી બોય ઈજાગ્રસ્ત; ATS અને બોમ્બ સ્ક્વોડ સ્થળ પર દોડ્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી એક પોલીસ ચોકીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ, એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

 પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન હેઠળ આવતી વસુંધરા પોલીસ ચોકીમાં આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ચોકીની બારીઓના કાચ તૂટીને વિખેરાઈ ગયા હતા. ઘટના સમયે ચોકી પાસે હાજર એક ફૂડ ડિલિવરી બોયને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. વિસ્ફોટની ચોક્કસ તીવ્રતા અને તે પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી, પરંતુ પોલીસે આ ઘટનામાં આતંકવાદી કાવતરાની શક્યતાને નકારી નથી અને તે એંગલથી પણ તપાસ તેજ કરી છે.

જાહેરાત

આ બ્લાસ્ટ બાદ સોશિયલ મીડિયા પર 'તહરીક-ઉલ-મુજાહિદ્દીન' નામના સંગઠન દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો છે. પોલીસ હાલ આ સોશિયલ મીડિયા પોસ્ટની સત્યતા ચકાસી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે." ફોરેન્સિક ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પુરાવા અને નમૂના એકત્ર કર્યા છે. આ સેમ્પલ્સને ઊંડાણપૂર્વકની તપાસ માટે આગ્રા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત હુમલાખોરોની ઓળખ મેળવવા માટે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત