VIDEO: રાહુલ ગાંધીના PM આવાસ સામે ધરણાંના વિરોધમાં ભાજપનો દેશવ્યાપી પલટવાર, ઠેર ઠેર કોંગ્રેસ ભવનો સામે વિરોધ
NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરમાં પેપર લીકના વિવાદને લઈને કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મોટો મોર્ચો ખોલ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો કાળાંં કપડાંં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને શિક્ષણ મંત્રી સામે વિરોધ પ્રદર્શન કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ગઈ કાલે પીએમ આવાસ સામે ધરણાં ધર્યા હતા જેના વિરોધમાં આજે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ ભવન સામે દેખાવો યોજવામાં આવી રહ્યા છે.
બિહારની રાજધાની પટનામાં બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હિંસક ઝઘડો થતાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના કાર્યકરો કૉંગ્રેસના પ્રદેશ મુખ્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા તે સમયે બંને પક્ષોના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. જોતજોતામાં વાતાવરણ બગડ્યું હતું અને બંને તરફથી જોરદાર પથ્થરમારો તેમજ લાઠીબાજી શરૂ થઈ ગઈ હતી.
રાહુલ ગાંધીના પ્રદર્શનના વિરોધમાં ભાજપનું આંદોલન
મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ દ્વારા વિતેલા દિવસે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના વિરોધમાં ભાજપ દ્વારા દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ ઝુંબેશના ભાગરૂપે ભાજપના કાર્યકરો પટના સ્થિત કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલય 'સદાકત આશ્રમ' તરફ માર્ચ કરી રહ્યા હતા.
રસ્તા પર પથ્થરમારો અને ભારે અફરાતફરી
ભાજપના માર્ચ દરમિયાન સદાકત આશ્રમ બહાર હાજર કૉંગ્રેસના કાર્યકરો સાથે તેમની તીખી બોલાચાલી અને તકરાર થઈ હતી. જોતજોતામાં આ નોકઝોંક હિંસક ઝડપમાં ફેરવાઈ ગઈ હતી બંને પક્ષોના કાર્યકરોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો કર્યો હતો અને લાઠીઓ વડે હુમલો કર્યો હતો. પથ્થરમારાને કારણે રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી અને નજીકના દુકાનદારો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કરી ત્રણ માગ
પહેલી: શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે
બીજી: યુવાનો પર લાઠીચાર્જ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે
ત્રીજી: વડાપ્રધાન મોદી યુવાનોની માફી માગે
10 વર્ષમાં 152 પેપર લીક થયા અને કોઈને પણ સજા ન થઈ - રાહુલ ગાંધી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ એકદમ યોગ્ય છે. તેઓ શિક્ષણ મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર છે. પેપર લીક એક મોટી સમસ્યા છે. કેટલાક લોકો એજ્યુકેશન સિસ્ટમને બરબાદ કરી રહ્યા છે, પેપર લીકના કોઈ પણ દોષિતને સજા મળી રહી નથી. 10 વર્ષમાં 152 પેપર લીક થયા અને કોઈને પણ સજા ન થઈ.
રાહુલ ગાંધીએ કહ્યું- 'એજ્યુકેશન સિસ્ટમ બરબાદ થઈ ગઈ'
'ધર્મેન્દ્ર પ્રધાને ખરેખર ભારતની સૌથી મોટી સંપત્તિને નષ્ટ કરી દીધી છે. આપણી શિક્ષણ વ્યવસ્થા પૂરી રીતે બરબાદ થઈ ગઈ છે, તેથી અમે આ માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને રસ્તા પર ઉતરેલા દરેક વિદ્યાર્થીનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ.'
કોંગ્રેસ સાંસદ પવન ખેડા બોલ્યા- ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે
કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ કહ્યું કે પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, તે પછી જ ચર્ચા થશે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે ચર્ચા થશે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે.
વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવી રહ્યું નથી- અખિલેશ યાદવ
અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે આ યુવાનોનો મુદ્દો છે. વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવી રહ્યું નથી. વિદ્યાર્થીઓ સાથે ખોટું થયું છે. અમે મજબૂરીમાં પીએમ આવાસ સુધી ગયા હતા.
સરકારે બાળકો સાથે વાત કરવી જોઈએ- ઉદ્ધવ ઠાકરે
'આપણે રાજકારણમાં જેમના માટે લડી રહ્યા છીએ તે આ બાળકો છે. સરકારે બાળકો સાથે વાતચીત કરવી જોઈએ અને એવી જ રીતે વિપક્ષે પણ અંદરોઅંદર વાતચીત કરવી જોઈએ. તમામ લોકોએ 'તારું-મારું' કરવાને બદલે એકસાથે આવીને કામ કરવું પડશે.'
યુવાનોના ભવિષ્ય માટે એકજૂથ થઈને સરકાર સામે વિરોધ
કોંગ્રેસના આ મોટા વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવાનો અને કડક સંદેશ આપવાનો છે. પાર્ટીના તમામ સાંસદોએ એકજૂથ થઈને પોતાની વ્યૂહનીતિ મુજબ વિરોધ નોંધાવ્યો હતો. કાળાંં કપડાંં પહેરીને સંસદ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ હિંસાની વિરુદ્ધમાં છે અને તેમની વિચારધારા હિંસાને ક્યારેય સહન કરતી નથી.
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને લાઠીચાર્જ સામે ભારે રોષ
કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે તમામ વિપક્ષી સાંસદો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને નેતાઓ પર થયેલા પોલીસ બળપ્રયોગના વિરોધમાં કાળાંં કપડાંં પહેરીને આવ્યા છે. વિપક્ષની માંગ છે કે સરકાર પોતાનું હઠાગ્રહ છોડીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરે. અન્ય એક કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું વિપક્ષ આવી બર્બરતા પર ચૂપ બેસી રહે?
માર્ચ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત
આ વિરોધ પ્રદર્શન પહેલાં કોંગ્રેસ નેતાઓએ રાજાજી માર્ગથી લોક કલ્યાણ માર્ગ સુધી માર્ચ કાઢી હતી. તેમણે પરીક્ષાના પેપર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. માર્ચ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેમને છત્રસાલ સ્ટેડિયમથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને ડરપોક ગણાવી હતી. તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ અને વી. ડી. સતીશન સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

