VIDEO: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો મોટો પલટવાર: સુધાંશુ ત્રિવેદીએ જૂના કેસો ગણાવી કોંગ્રેસની બેવડી નીતિ ખુલ્લી પાડી!
શુદ્ધિકરણ વિવાદ અને અસ્પૃશ્યતા મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિવેદનો સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરો વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ભૂતકાળમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બનેલી ઘટનાઓ અને દલિત અત્યાચારના કિસ્સાઓ યાદ અપાવીને કોંગ્રેસ પર બેવડા વલણનો આરોપ મૂક્યો છે.
રાજસ્થાનના કિસ્સાઓ યાદ અપાવી કોંગ્રેસને ઘેરી
ડૉ. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, "હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમને દલિત સમુદાય માટે આટલું બધું દર્દ થતું હોય, તો ભૂતકાળની આ ઘટનાઓ વખતે તમે કેમ મૌન હતા?" તેમણે તારીખવાર વિગતો આપતાં કહ્યું, 18 જુલાઈ 2019ના રોજ ભિવાડીમાં હરીશ જાટવ પર જીવલેણ હુમલો થયો અને 15 ઓગસ્ટે તેમણે આત્મહત્યા કરી લીધી. તે સમયે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી. 15 સપ્ટેમ્બર 2021ના રોજ અલવરમાં ટોળાએ યોગેશ જાટવ પર હુમલો કર્યો અને 18 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં તેનું મોત થયું. 1 જુલાઈ 2021ના રોજ ઝાલાવાડમાં કૃષ્ણા વાલ્મીકિને રસ્તા પર માર મારવામાં આવ્યો અને 6 જુલાઈએ સારવાર દરમિયાન તેનું નિધન થયું. આ તમામ ઘટનાઓ સમયે કોંગ્રેસનું શાસન હતું.
કર્ણાટકમાં પોતાના જ દલિત ધારાસભ્યનો સાથ ન આપ્યો: ભાજપ
સુધાંશુ ત્રિવેદીએ કર્ણાટકની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, બેંગલુરુમાં જ્યારે PFI સભ્યો દ્વારા અનુસૂચિત જાતિ (SC) સમુદાયમાંથી આવતા કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘર પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસે આરોપીઓ સામે કડક પગલાં લેવાને બદલે પોતાના જ ધારાસભ્યને સાથ આપ્યો નહોતો. ધારાસભ્યએ અદાલતમાં એકલા હાથે લડવું પડ્યું અને છેવટે હતાશ થઈને તેમણે પાર્ટી છોડી દેવી પડી.
સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે આ તમામ ઐતિહાસિક તથ્યો સાબિત કરે છે કે કોંગ્રેસ માત્ર રાજકીય લાભ ખાતર દલિતોના મુદ્દા ઉઠાવે છે, વાસ્તવમાં તેમના મનમાં દલિતો પ્રત્યે કોઈ સાચી સંવેદના નથી.

