Video: મોટા સમાચાર: કેન્દ્ર સરકારનું મોટું એક્શન! 850 ફાસ્ટ ટ્રેક કોર્ટ પર કેબિનેટની મંજૂરીથી ગુનેગારોમાં ફફડાટ

મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે દેશભરની ૮૫૦ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટોને વધુ સશક્ત બનાવવા અને તેમની કામગીરીની મુદત લંબાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ અદાલતો મુખ્યત્વે દુષ્કર્મ અને બાળ શોષણ (પોક્સો) સંબંધિત કેસોનો ઝડપી નિકાલ લાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "મહિલાઓ પર થતા અત્યાચારો હોય કે દેશની નવી પેઢીની સુરક્ષાનો સવાલ હોય, જ્યારે પણ સમાજમાં આવી સંવેદનશીલ બાબતો સામે આવે છે ત્યારે અમારી સરકાર નિર્ણાયક પગલાં લેવા સંપૂર્ણ કટિબદ્ધ છે."
પીડિતોને ઝડપી ન્યાય અપાવવા પર ભાર
કેન્દ્રીય મંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે સરકાર વર્તમાન કાયદાઓનો પૂરેપૂરો ઉપયોગ કરી રહી છે, જરૂર પડે ત્યાં નવા કાયદાઓ લાવી રહી છે અને તેનો કડકાઈથી અમલ કરાવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે જ દેશમાં પેન્ડિંગ કેસોનો ત્વરિત નિકાલ લાવવા માટે ૮૫૦ ફાસ્ટ ટ્રેક કોર્ટોને વધુ સુવિધાયુક્ત બનાવી તેમનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ગુનેગારોને વહેલી તકે કડક સજા મળી શકે અને પીડિતોને ત્વરિત ન્યાય મળી રહે.







