VIDEO: 'જનતા સાથે કર્યો વિશ્વાસઘાત, કોંગ્રેસ-આપની અંદરખાને મિલીભગત!' હરિયાણાના CMએ ભગવંત માન સરકારની ખોલી પોલ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પંજાબની જનતા હવે સરકાર પાસે તેના દ્વારા કરવામાં આવેલા વચનોનો હિસાબ માંગી રહી છે. સરકારે માત્ર પોકળ વાયદાઓ કર્યા છે અને પંજાબના યુવાનોનો વિશ્વાસ AAP સરકાર પરથી સંપૂર્ણપણે ઊઠી ગયો છે.
'કોંગ્રેસ અને AAP અંદરખાને મળેલા છે'
પંજાબ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા નાયબ સિંહ સૈનીએ જણાવ્યું કે, "પંજાબની જનતા AAP સરકારને પૂછી રહી છે કે તેમણે જનતાને આપેલા વચનોનું શું થયું? આ સરકારે માત્ર જૂઠા વાયદાઓ જ કર્યા છે." આ સાથે જ તેમણે વિપક્ષ પર નિશાન સાધતા આરોપ મૂક્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અંદરખાને મિલીભગત છે અને તેઓ એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે.
રોજગાર મુદ્દે સરકારને ઘેરી
મુખ્યમંત્રી સૈનીએ પંજાબમાં બેરોજગારીના પ્રશ્ને AAP સરકારને આડે હાથ લેતા કહ્યું કે, રાજ્ય સરકારે ખુલાસો કરવો જોઈએ કે તેણે પંજાબના કેટલા યુવાનોને નોકરીઓ આપી છે? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવા વર્ગ સાથે અન્યાય થયો છે અને રોજગારી આપવામાં નિષ્ફળ રહેવાને કારણે પંજાબના યુવાનો હવે આ સરકાર પરથી પોતાનો ભરોસો ગુમાવી ચૂક્યા છે.

