VIDEO: બેંકો બંધ, ઇન્ટરનેટ ઠપ્પ: PoJK માં સ્થિતિ બેકાબૂ, લોકો પોતાના જ પૈસા માટે તરસી ગયા!
પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) ના મુઝફ્ફરાબાદમાં ચ


પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) ના મુઝફ્ફરાબાદમાં ચાલી રહેલી હડતાળ અને તંગદિલી વચ્ચે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વિસ્તારમાં ઇન્ટરનેટ અને બેન્કિંગ સેવાઓ બંધ કરી દેવાતા સ્થાનિક નાગરિકો અને વેપારીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે.
આ ગંભીર સ્થિતિ અંગે પોતાનો આક્રોશ ઠાલવતા એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, "અહીં દરેક વ્યક્તિ ભારે હાલાકીનો સામનો કરી રહી છે. તમામ દુકાનો અને ધંધા-રોજગાર બંધ પડ્યા છે. આજના આધુનિક યુગમાં કોઈપણ વેપાર સંપૂર્ણપણે ઇન્ટરનેટ પર નિર્ભર છે, તેથી નેટ વિના બધું જ અટકી ગયું છે. એટલું જ નહીં, ઓનલાઈન સિસ્ટમ બંધ હોવાથી લોકો બેંકોમાંથી પોતાના પૈસા ઉપાડવા માટે પણ ફાંફા મારી રહ્યા છે."
સરકારના વલણ સામે સવાલ ઉઠાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે સરકારને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપે. વહીવટીતંત્ર બજારો ખોલવાની વાતો તો કરે છે, પરંતુ તેઓ એ નથી વિચારતા કે ઇન્ટરનેટ અને બેન્કિંગ વિના બજાર ખુલશે તો પણ દુકાનદારો શું કરશે? વેપાર-ધંધા ત્યારે જ ફરી શરૂ થઈ શકે જ્યારે બેંકો ખુલે, ઇન્ટરનેટ સેવાઓ બહાલ થાય અને તમામ કામકાજ રાબેતા મુજબ ચાલુ થાય. વહીવટીતંત્ર અમારી દુર્દશા સમજે અને જનતાને પાયાની સુવિધાઓ આપે."
પોતાના હક માટે ચાલી રહેલી આ લડત અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ હડતાળ અમારી પીડા અને લાચારીનું પ્રતીક છે. અમે માત્ર અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ, કોઈ વધારાની માંગણી નથી કરી રહ્યા. અમારી બસ એટલી જ માંગ છે કે જનતાના મૂળભૂત અધિકારોને આ રીતે કચડવામાં ન આવે."






