બેંક કર્મચારીઓની હડતાળનો નિર્ણય પાછો ખેંચાયો, સામાન્ય લોકોને મળી મોટી રાહત

દેશભરમાં સોમવાર, 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી બેંક કર્મચારીઓની ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ હાલ પૂરતી ટળી ગઈ છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને બેંક યુનિયનોના મુખ્ય સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સકારાત્મક સહમતિ સધાતા યુનિયનોએ આંદોલન અને હડતાળ મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી દેશભરના કરોડો બેંક ગ્રાહકોને મોટી રાહત મળશે અને શાખાઓમાં રોકડ વ્યવહાર, ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સામાન્ય દિવસોની જેમ જ ચાલુ રહેશે.

શનિવારની રજાઓ અને અન્ય માંગણીઓ માટે બનશે ઉચ્ચસ્તરીય સમિતિ
યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ દ્વારા સપ્તાહમાં 5 દિવસના કામકાજનો નિયમ (5-Day Work Week) લાગુ કરવા અને મહિનાના બાકી રહેતા તમામ શનિવારોને રજા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે આ હડતાળનું એલાન અપાયું હતું. હાલ બેંકોમાં માત્ર બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે. 27 સપ્ટેમ્બરની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, બાકીના શનિવારોને રજા જાહેર કરવાના મુદ્દે સર્વગ્રાહી ચર્ચા કરવા માટે IBA અને UFBUની એક સંયુક્ત ઉચ્ચસ્તરીય સમિતિ તાત્કાલિક ધોરણે રચાશે. આ સમિતિ તમામ ટેકનિકલ પાસાઓ અને હિતધારકોના મંતવ્યો ચકાસીને વહેલી તકે ઉકેલ લાવશે.
અન્ય પેન્ડિંગ પ્રશ્નો પર પણ ઝડપી નિર્ણયની ખાતરી
આ ઉપરાંત, પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ સ્કેલ-IV અને તેનાથી ઉપરના અધિકારીઓના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીને આગળ વધારવા પર સહમતિ બની છે. સાથે જ, 8 માર્ચ-2024ની અગાઉની બેઠકની મિનિટ્સમાં દર્શાવવામાં આવેલા પેન્શન અપડેશન સહિતના પેન્ડિંગ મુદ્દાઓ પર પણ બંને પક્ષો ઝડપથી વાટાઘાટો પૂર્ણ કરી ઉકેલ લાવવા સંમત થયા છે.
કરોડો ગ્રાહકોને થશે સીધો ફાયદો
અગાઉ 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ સુધી દેશવ્યાપી હડતાળ યોજાવાની હોવાથી શાખાઓમાં કેશ ડિપોઝિટ, વિડ્રોઅલ, ચેક ક્લિયરિંગ, ડીડી અને કેવાયસી (KYC) જેવા તમામ કાઉન્ટર કામકાજ ઠપ થઈ જવાની ભીતિ હતી. કેટલાક બેંકોએ તો ગ્રાહકોની સુવિધા માટે રવિવારે પણ શાખાઓ ખુલ્લી રાખવી પડી હતી. જોકે હવે હડતાળ મોકૂફ રહેતાં સોમવારથી તમામ સરકારી અને ખાનગી બેંકોની શાખાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે અને નાણાકીય વ્યવહારો અટકશે નહીં.

