Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ayodhya: 22-foot-long 'Dharma Flag' made in Ahmedabad will be hoisted over the Ram temple in Ayodhya

Ayodhya: અમદાવાદમાં બનેલો 22 ફૂટ લાંબો  'ધર્મ ધ્વજ' અયોધ્યામાં રામ મંદિર પર લહેરાશે

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ayodhya: અમદાવાદમાં બનેલો 22 ફૂટ લાંબો  'ધર્મ ધ્વજ' અયોધ્યામાં રામ મંદિર પર લહેરાશે
સોર્સ : GSTV

Ayodhya:  દેશ અને દુનિયાના કરોડો સનાતનીઓના ઈષ્ટ એવા અયોધ્યામાં બિરાજમાન રામમંદિર માટે એક નવું છોગું અને આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. અયોધ્યામાં 25 નવેમ્બરે રામમંદિરના શિખર પર વિશાળ ધ્વજ ફરકાવવાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સેનાના જવાનો પણ ધ્વજારોહણની પ્રક્રિયામાં વિશેષ ભૂમિકા નિભાવવાના છે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે 22 ફૂટ લાંબા, 11 ફૂટ પહોળા, 2.5 કિલો વજનના આ ‘ધર્મ ધ્વજ’ની બીજી કઈ ખાસિયત છે.

App Store

ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

 ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ  

પહોળાઈ- 11 ફૂટ 

વજન- 2.5 કિલો 

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટિરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે) 

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ? 

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ 

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર 

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ  

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન 
આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન 'ૐ' અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા 
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે. 

ભારતીય સેનાનો સહયોગ કયા કારણસર લેવાશે?
આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ કરી રહ્યા છે, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરૂઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

ધાર્મિક વિધિઓ સાથે સમારોહ સમ્પન્ન થશે 
આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.