ભારતમાં ઉડતાં 96 જેટલા બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ટેકનિકલ ખામી, લેન્ડિંગ વખતે ગાઈડન્સ સિસ્ટમ બંધ થવાનો ખતરો, એરલાઈન્સ માટે એડવાઈઝરી જારી

વિમાન નિર્માતા કંપની બોઈંગે તેના કેટલાક 737 વિમાનોમાં એક ગંભીર સોફ્ટવેર ખામી શોધી કાઢી છે. આ ખામીને કારણે લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જાય અને ફરી પ્રયાસ કરવામાં આવે ત્યારે ઓટોમેટેડ ફ્લાઈટ ગાઈડન્સ સિસ્ટમ અચાનક બંધ થઈ શકે છે. બોઈંગ આ ટેકનિકલ ખામીના કાયમી ઉકેલ માટે સોફ્ટવેર અપડેટ પર કામ કરી રહ્યું છે.
બોઈંગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે ગયા મહિને જ તમામ 737 ઓપરેટરોને આ સમસ્યા વિશે માહિતગાર કર્યા હતા. જ્યાં સુધી સોફ્ટવેર અપડેટ ન મળે ત્યાં સુધી પાયલટોને સલામત લેન્ડિંગ માટે નિર્ધારીત પ્રક્રિયાઓ અનુસરવા અને મિસ્ડ એપ્રોચ પછી સિસ્ટમને તરત રિસેટ કરવા સાવચેતીના પગલારૂપે એક એડ્વાઈઝરી પણ જારી કરવામાં આવી છે.
ભારતમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ અને આકાસા એર મળીને આશરે 96 બોઈંગ 737 મેક્સ વિમાનોનું સંચાલન કરે છે, જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે 53 જ્યારે આકાસા પાસે 43 વિમાનો છે. આકાસા એરે જણાવ્યું કે તેઓ બોઈંગ સાથે સંકલનમાં છે અને તેમની તમામ ફ્લાઈટ્સ હાલ નિયમો અનુસાર સુરક્ષિત રીતે કાર્યરત છે.
વિશ્વભરમાં બોઈંગે 2400થી વધુ 737 મેક્સ વિમાનો વેંચ્યા છે. આ દરમ્યાન યુરોપિયન કંપની એરબસના A321 નીઓ વિમાનોના ફ્યુઝલેજ કોટિંગમાં ગુણવત્તા સંબંધિત ખામી સામે આવી છે, જેમાંથી ઈન્ડિગોના લગભગ એક ડઝન વિમાનો પ્રભાવિત થયા છે.
ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા પાસે આવા આશરે 190 વિમાનો છે.

