દિવાળીને લઈને સુપ્રીમ કોર્ટની વધુ એક ટિપ્પણી, કહ્યું- પ્રદૂષણ રોકવું કોર્ટનું નહીં, જનતાનું કામ છે

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાં ફોડવાથી થતા હવા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર કોર્ટના આદેશો અને પોલીસની તૈનાતીથી પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. આ માટે સામાન્ય નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. ફટાકડા વગરની દિવાળી મનાવવાની પહેલ માત્ર સરકાર કે અદાલત સુધી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ તેને જનઆંદોલનનું સ્વરૂપ આપવું જોઈએ. શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે દિલ્હી સરકાર અને સંબંધિત અધિકારીઓને દિવાળી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ માટે સ્થાનિક નગરસેવકોની મદદ લેવાનું સૂચન કર્યું હતું. આ બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક નગરસેવકોને અભિયાનમાં જોડવા સૂચન
સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો (Councillors) પોતાના વિસ્તારોમાં લોકોને ફટાકડા ન ફોડવા માટે સમજાવે. ખાસ કરીને એવા ફટાકડાથી દૂર રહેવા અપીલ કરે, જે હવામાં ઝેરી તત્ત્વો ફેલાવે છે અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અદાલત જેટલા વધુ આદેશો આપે છે, કેટલીકવાર તેના ઉલ્લંઘનની ઘટનાઓ પણ એટલી જ વધી જાય છે. પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાકીય આદેશો દ્વારા લાવી શકાય નહીં. તેના માટે લોકોની સક્રિય ભાગીદારી જરૂરી છે.
દરેક ઘરની બહાર પોલીસ તૈનાત કરવી શક્ય નથી
સુનાવણી દરમિયાન કોર્ટને મદદ કરી રહેલાં વરિષ્ઠ વકીલ અને એમિકસ ક્યુરી (Amicus Curiae) અપારજિતા સિંહે ફટાકડાંના વેચાણ અને નિયમોના અમલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રીન ફટાકડાં (Green Crackers)ની મંજૂરીનો કેટલાક વેપારીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલીક દુકાનોની બહાર ગ્રીન ફટાકડાંનાં લીલાં પેકેટ દર્શાવવામાં આવે છે, પરંતુ અંદરથી છૂપી રીતે પ્રતિબંધિત સામાન્ય ફટાકડાંનું વેચાણ કરવામાં આવે છે. સુનાવણી દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે દરેક ઘરની બહાર પોલીસકર્મી તૈનાત કરીને નિયમોનું પાલન કરાવવું વ્યવહારિક રીતે શક્ય નથી. રાજ્ય સરકાર દરેક ઘર પર નજર રાખવા માટે પોલીસકર્મી મૂકી શકે નહીં.
પ્રદૂષણ રોકવા લોકોની ભાગીદારી અનિવાર્ય
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે દિવાળી જેવા તહેવારની ઉજવણી કરતી વખતે પર્યાવરણ અને અન્ય લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું દરેક નાગરિકની જવાબદારી છે. માત્ર સરકારી પ્રતિબંધો કે પોલીસની કાર્યવાહીથી હવા પ્રદૂષણ અટકાવી શકાશે નહીં. લોકો સ્વયં જાગૃત બને અને ફટાકડાંના ઉપયોગથી દૂર રહે ત્યારે જ પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો સફળ થઈ શકશે.






