મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, મંદિરોની સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો
મુંબઈમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ દેશની આર્થિક રાજધાનીમ

મુંબઈમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ દેશની આર્થિક રાજધાનીમાં ફરી આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. એક અહેવાલ મુજબ ગુપ્તચર એજન્સી દ્વારા આવા ઈનપુટ અપાયા બાદ આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં વિવિધ સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીના એલર્ટ બાદ મુંબઈમાં અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્થળો અને ધાર્મિક સ્થળોએ "મોક ડ્રીલ" કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ડીસીપીને પણ પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે.
મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરના અધ્યક્ષ સદા સરવણકરે કહ્યું, 'અમને મુંબઈ પોલીસ દ્વારા મંદિરની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે. અમને તમામ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે. શહેરના તમામ મંદિરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અને સાવચેતીના પગલા તરીકે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા કહેવામાં આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે પોલીસે ભારે ભીડવાળા ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે. સુરક્ષા કવાયત અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કવાયત હતી. આ બધું અચાનક શા માટે કરવામાં આવી રહ્યું છે તે વિશે તેમણે કંઈ પણ જણાવ્યું ન હતું. પોલીસનું કહેવું છે કે આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ અને અન્ય સ્થળોએ મોકડ્રીલ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી, દુર્ગા પૂજા અને પછી દિવાળી નવા વર્ષની ઉજવણી થશે. આવી સ્થિતિમાં બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળશે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિ વ્યસ્ત હોય ત્યારે આતંકવાદીઓ આવી તકો શોધે છે, તેથી જ પોલીસ પહેલેથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.






