VIDEO: ખાંડ પછી હવે ડુંગળીના ભાવ વધતાં પ્રજા ત્રાહિમામ! સરકારે દોડાવવી પડી 'કાંદા એક્સપ્રેસ'
ખાંડ બાદ હવે ડુંગળીની વધતી કિંમતે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. દેશમાં ડુંગળીનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જે ગયા વર્ષના ભાવ કરતાં અંદાજે 45 ટકા વધુ છે. કેટલાક શહેરમાં તેના કરતાં પણ વધારે ભાવ છે. એવામાં કેન્દ્ર સરકારે બફર સ્ટોક માર્કેટમાં ઉતારવાનું નક્કી કર્યું છે.સરકાર સોમવારે નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે કાંદા એક્સપ્રેસ ચલાવશે. આ શહેરોમાં ડુંગળીનો ભાવ ખૂબ જ વધારે છે. સરકાર જરૂરી ડુંગળી પહોંચાડીને કિંમતો પર લગામ રાખવાનો પ્રયત્ન કરે છે. ઉપભોક્તા વિભાગના આંકડા પ્રમાણે, દિલ્હીમાં શનિવારે ડુંગળીનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. એક વર્ષ પહેલા આ જ સમયે ડુંગળી 35 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી. એટલે કે દિલ્હીમાં લગભગ ડબલ ભાવ થઈ ગયો છે. ચેન્નાઈમાં પણ ભાવ 58 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. જ્યારે ગયા વર્ષે અહીં 33 રૂપિયા કિલો ભાવ હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારમાં પણ ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે.

