VIDEO: અયોધ્યા બાદ હવે MPના પ્રખ્યાત મા બગલામુખી મંદિરમાં દાન કૌભાંડ: કલેક્ટરે તપાસ માટે બનાવી ૩ સભ્યોની ટીમ
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ દેશભરના મોટા મંદિરોમાં સુરક્ષા, પારદર્શિતા અને દાન વ્યવસ્થાપનને લઈને એક ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. રામ મંદિરમાં દાન ચોરીનો ખુલાસો થયા બાદ દેશના અન્ય કેટલાક પ્રખ્યાત મંદિરોમાંથી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે મધ્યપ્રદેશના પ્રખ્યાત મા બગલામુખી મંદિરમાં દાન કૌભાંડની વાત સામે આવી છે.
આગર-માળવા જિલ્લાના નલખેડા સ્થિત પ્રખ્યાત મા બગલામુખી મંદિરમાં દાન, ચઢાવા અને સોના-ચાંદીના દાગીનામાં મોટી ગેરરીતિ સામે આવી છે. શ્રદ્ધાળુઓ તરફથી આવતા દાનમાં ગંભીર અનિયમિતતાઓની ફરિયાદોને જોતા જિલ્લા વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટર પ્રીતિ યાદવે આ મામલાની ઊંડી તપાસ માટે ત્રણ સભ્યોની ટીમની રચના કરી છે અને તેને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે ગંભીર આરોપો?
વાસ્તવમાં, કલેક્ટર પ્રીતિ યાદવે થોડા દિવસો પહેલા જ મંદિરનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું, જ્યાં તેમને દાનમાં હેરાફેરીની ફરિયાદો મળી હતી. આરોપો અનુસાર, મંદિરની સત્તાવાર સરકારી વ્યવસ્થાપન સમિતિ હોવા છતાં, ત્યાં એક બિન-સરકારી અને અણનોંધાયેલી સમિતિ સમાંતર રીતે ચાલી રહી હતી. આ ખાનગી સમિતિ શ્રદ્ધાળુઓ પાસેથી રોકડ દાન, ચઢાવો અને સોના-ચાંદીના દાગીના લેતી હતી. દાનના આ નાણાં સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે ખાનગી બેંક ખાતાઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેનો કોઈ યોગ્ય હિસાબ-કિતાબ નથી. એટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહના નવીનીકરણના કામમાં પણ આ ખાનગી સમિતિ દ્વારા નાણાંની લેવડદેવડ કરવામાં આવી હતી, જેની હવે તપાસ થશે.
ફરિયાદ મુજબ, મંદિરની દેખરેખ માટે જે અસલી સરકારી કમિટી બનેલી છે, તેને સાઇડલાઇન કરી દેવામાં આવી હતી. તેની જગ્યાએ એક બીજી કમિટી જાતે જ ભક્તો પાસેથી મળતું સોનું, ચાંદી અને રોકડ દાન એકઠું કરી રહી હતી. આરોપ છે કે આ દાનના નાણાં અને સોના-ચાંદીના હિસાબ-કિતાબમાં મોટું કૌભાંડ થયું છે.
તપાસ માટે બની 3 સભ્યોની ટીમ
મામલાની ગંભીરતાને જોતા કલેક્ટરે 7 જુલાઈ 2026ના રોજ આદેશ જાહેર કરીને ત્રણ અધિકારીઓની સંયુક્ત તપાસ ટીમ બનાવી છે:
અધ્યક્ષ: બી.એસ. સોલંકી (સીઈઓ, જિલ્લા પંચાયત, આગર-માળવા)
સભ્ય: મનીષ સોલંકી (જિલ્લા તિજોરી અધિકારી, આગર-માળવા)
સભ્ય: મિની અગ્રવાલ (મુખ્ય નગરપાલિકા અધિકારી, નલખેડા)

