VIDEO: આઝાદીના 80 વર્ષ બાદ આપણે પાછળ નથી જઈ રહ્યા ને તે જોવું જરૂરી: પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ દેશની આઝાદી, બંધારણીય મૂલ્યો અને નાગરિકોના સમાન અધિકારોને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશ માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે સપના જોયા હતા તે મૂલ્યો આજે પણ જળવાઈ રહ્યા છે કે નહીં તેનું આત્મમંથન કરવું જરૂરી છે.
સ્વતંત્રતા સેનાનીઓના સપના અને બંધારણીય મૂલ્યો
શ્રીનગરમાં વાતચીત કરતા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, "દેશની આઝાદી માટે લોકોએ અસંખ્ય બલિદાનો આપ્યા છે. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાન નેતાઓએ એક એવા રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું જ્યાં દરેક નાગરિક ગરિમા, આઝાદી, પોતાની પસંદગી કરવાની સ્વતંત્રતા અને સમાન ન્યાય સાથે જીવી શકે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "ડો. બી. આર. આંબેડકરના નેતૃત્વ હેઠળ અને તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વના યોગદાનથી ઘડાયેલું આપણું બંધારણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાન અધિકાર અને ન્યાયની ખાતરી આપે છે. આજે આપણે સૌએ એ સવાલ પૂછવો પડશે કે શું આ મૂલ્યોનું આજે સાચે જ પાલન થઈ રહ્યું છે?"
80 વર્ષ બાદ પાછળ ન જઈએ તે સુનિશ્ચિત કરવું જરૂરી
મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આઝાદીના લગભગ 80 વર્ષ પછી આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છીએ અને દેશને પાછળની તરફ નથી ધકેલી રહ્યા."

