ભાજપના દિગ્ગજ નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન! જાણો, કેમ કહ્યું આવું

ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન, મધ્ય પ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણી વચનો અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં રાજ્યોને મોટી નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, કેન્દ્ર સરકારે રાજ્યોને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.
કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, રાજકીય મજબૂરીઓને કારણે ચૂંટણી દરમિયાન ઘણી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ તેને પાછળથી પૂર્ણ કરવાથી રાજ્યના બજેટ પર ભારે ભારણ પડે છે. આ જ કારણ છે કે આજે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
કેન્દ્રીય મદદની જરૂર
કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ભોપાલમાં આયોજિત શહેરી વિકાસ મંત્રીઓની પ્રાદેશિક બેઠકમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીય બોલી રહ્યા હતા. તેમણે જાહેરમાં જણાવ્યું કે, રાજ્યના બજેટની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે અને હવે તેનું સંચાલન કરવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. ચૂંટણી દરમિયાન બજેટ અંગે જે અપેક્ષાઓ ઊભી કરવામાં આવતી હતી તે ઘણીવાર તેમના વાસ્તવિક પરિણામોથી ઓછી હોય છે. આના કારણે રાજ્યોને કેન્દ્ર સરકાર તરફ નજર રાખવાની ફરજ પડી છે.
કેન્દ્રની યોજનામાં સહયોગની માંગ
કૈલાશ વિજયવર્ગીયએ કેન્દ્ર સરકારને અમૃત યોજના, આવાસ યોજના અને અન્ય કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ હેઠળ રાજ્યોને વધુ સહાય પૂરી પાડવા વિનંતી કરી. તેમણે સમજાવ્યું કે આ યોજનાઓ હેઠળ કેટલાક કામ પૂર્ણ થયા છે, પરંતુ બાકીના કામ હાથ ધરવા માટે રાજ્યો પાસે પૂરતા સંસાધનોનો અભાવ છે.
મંત્રીએ કહ્યું કે, આ ફક્ત મધ્ય પ્રદેશની જ સ્થિતિ નથી, પરંતુ લગભગ દરેક રાજ્યમાં છે. ચૂંટણીના વચનો અને પ્રતિબદ્ધતાઓએ રાજ્યો પર નાણાકીય દબાણ વધાર્યું છે. તેથી, આ યોજનાઓ ફક્ત કેન્દ્ર સરકારની મદદથી જ આગળ ધપાવી શકાય છે.

