મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દૂધના ભાવમાં સીધો ₹8નો તોતિંગ વધારો! 1 નવેમ્બરથી સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે મોટો બોજ!

દૂધના ભાવમાં સીધો ₹8નો તોતિંગ વધારો! 1 નવેમ્બરથી સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે મોટો બોજ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કર્ણાટક સરકારે દૂધના ભાવમાં પ્રતિ લિટર 8 રૂપિયાનો વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર 7 રૂપિયા વધુ મળશે, જ્યારે 1 રૂપિયો દૂધ સહકારી મંડળીઓને ફાળવવામાં આવશે. આ નવા દરો 1 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા નિર્ણય

મંત્રીએ જણાવ્યું કે, દૂધ ઉત્પાદક ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓને ધ્યાને રાખીને આ ભાવવધારો મંજૂર કરવામાં આવ્યો છે. પશુપાલકો અને ખેડૂતો દ્વારા ભાવ વધારવાની માંગ સાથે અગાઉ વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાન પરિષદમાં પણ વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.

ખેડૂતોની 10 રૂપિયા વધારવાની હતી માંગ

મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાના જણાવ્યા મુજબ, ખેડૂત પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી અને સહકાર મંત્રી સાથે મુલાકાત કરીને પ્રતિ લિટર ઓછામાં ઓછા 10 રૂપિયા વધારવાની રજૂઆત કરી હતી. જોકે, સરકાર માટે એકસાથે આટલો મોટો વધારો કરવો શક્ય નહોતો. કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ તમામ સભ્યોની સંમતિથી પ્રતિ લિટર 8 રૂપિયા વધારવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખેડૂતોને હવે પ્રતિ લિટર કેટલા રૂપિયા મળશે?

રાજ્યમાં ખેડૂતોને અત્યાર સુધી દૂધના પ્રતિ લિટર આશરે 35 રૂપિયા મળતા હતા. હવે 7 રૂપિયાના વધારા બાદ તેમને લિટરે 42 રૂપિયા મળશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતી પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી પણ યથાવત ચાલુ રહેશે. આમ, સરકારી સહાય સહિત પશુપાલકોને હવે પ્રતિ લિટર કુલ 47 રૂપિયા જેટલી રકમ મળશે, જેનાથી રાજ્યના લાખો પરિવારોને સીધો લાભ થશે.

ગ્રાહકોના બજેટ પર પડશે સીધી અસર

સરકારના આ પગલાથી દૂધ ઉત્પાદક પરિવારોને મોટી રાહત મળશે, પરંતુ તેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. છૂટક બજારમાં દૂધના વિવિધ બ્રાન્ડ્સ અને તેમના નવા રીટેલ ભાવો જાહેર થયા બાદ સામાન્ય જનતા પર આ ભાવવધારાનો ચોક્કસ બોજ કેટલો વધશે તે સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો