બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો વળાંક: 17 વર્ષ બાદ આ બે દોષિતોને મળી મોટી રાહત, જાણો શું છે કારણ?

બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો વળાંક: 17 વર્ષ બાદ આ બે દોષિતોને મળી મોટી રાહત, જાણો શું છે કારણ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતના ચર્ચિત બિલ્કિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસના બે દોષિતોની આજીવન કેદની સજા મોકૂફ રાખીને તેમને જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની ખંડપીઠે આ આદેશ આપતાં નોંધ્યું હતું કે બંને દોષિતો 17 વર્ષથી પણ વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે અને તેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે દિવ્યાંગ છે.

જેલવાસ અને દિવ્યાંગતાને બનાવાયા રાહતનો આધાર

જાહેરાત

દોષિતો વતી રજૂ થયેલા વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા છે. આ ઉપરાંત, એક દોષિતનું નામ મૂળ એફઆઈઆરમાં ન હતું અને ઘટનાના આશરે ત્રણ વર્ષ પછી તેને આરોપી બનાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બોમ્બે હાઈકોર્ટના 2017 ના ચુકાદા સામે કરાયેલી અપીલમાં તથ્યો અને કાયદા સાથે જોડાયેલા એવા મુદ્દાઓ છે જેના પર વિચારણા કરવી જરૂરી છે.

સરકારી વકીલનો આકરો વિરોધ

બીજી તરફ, વધારાના સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ બંનેએ તમામ પુરાવાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે લાંબા જેલવાસ અને અપીલ પેન્ડિંગ હોવાના કારણે સજા મોકૂફ રાખી સંબંધિત ટ્રાયલ કોર્ટને જામીનની શરતો નક્કી કરવા નિર્દેશ આપ્યો છે.

જાણો શું હતો મામલો?

નોંધનીય છે કે, ઓગસ્ટ 2022 માં ગુજરાત સરકારે આ કેસના તમામ 11 દોષિતોને સમય પહેલાં જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં, સર્વોચ્ચ અદાલતે 8 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત સરકારના સરન્ડર આદેશને રદ્દ કરીને તમામ દોષિતોને ફરીથી જેલમાં જવાનો હુકમ કર્યો હતો. હવે આ 11 પૈકીના બે દોષિતોને અપીલ પેન્ડિંગ રહેવા દરમિયાન સર્વોચ્ચ અદાલત તરફથી જામીન મળ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત