ધ્રુવ રાઠીને મોટો ઝટકો, 2018ના માનહાનિ કેસમાં બિન જામીનપાત્ર વોરંટ જાહેર

દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા યુટ્યુબર ધ્રુવ રાઠી સામે 2018ના માનહાનિ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડેની ફરિયાદ પર સુનાવણી બાદ જજ અનમ રઈસ ખાને આ આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 ડિસેમ્બરે હાથ ધરાશે.
શું છે સમગ્ર મામલો?
વિકાસ પાંડે 'I Support Narendra Modi' નામનું પેજ ચલાવે છે. આરોપ છે કે ધ્રુવ રાઠીએ મે 2018માં બનાવેલા 'BJP IT Cell Part II' નામના વીડિયોમાં વિકાસ પાંડે સામે ખોટા અને માનહાનિકારક દાવા કર્યા હતા. વીડિયોમાં ભાજપના આઈટી સેલ દ્વારા પાંડેને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અરવિંદ કેજરીવાલ અને ધ્રુવ રાઠી બંને સામે માનહાનિની કાર્યવાહી શરૂ થઈ હતી
ધ્રુવ રાઠીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયોને રિટ્વીટ કર્યો હતો. આ ઘટનાને પગલે વિકાસ પાંડેએ અરવિંદ કેજરીવાલ અને ધ્રુવ રાઠી બંને સામે માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી.
ગત 12 ઓક્ટોબરે કોર્ટે સુનાવણી અને ધ્રુવ રાઠીને હાથોહાથ સમન્સ પાઠવવાની અરજી મંજૂર કરી હતી. ફરિયાદી તરફથી વકીલે દલીલ કરી હતી કે રાઠી મુખ્યત્વે વિદેશમાં રહેતા હોવાથી વર્ષોથી સમન્સની બજવણી થઈ શકી નથી. આ દલીલ બાદ કોર્ટે હવે ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.











