Video: કોંગ્રેસના ધારાસભ્યે ગુસ્સામાં મંચ પરથી માઈક-ખુરશીઓ ફેંકી, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ: gstv

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદે આયોજિત ઐતિહાસિક 'જૌલજીબી મેળા' દરમિયાન એક ભારે રાજકીય હંગામો સામે આવ્યો છે. આ વખતે આ મેળો તેની વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરા કે વેપારના કારણે નહીં, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય હરીશ સિંહ ધામીના ઉગ્ર અને આક્રમક વર્તનના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેળાના મંચ પરથી કોંગ્રેસી ધારાસભ્યનો ગુસ્સામાં માઈક ફેંકતા અને ખુરશીઓ તોડતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

 આખી ઘટના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના કાર્યક્રમ બાદ બની હતી. સીએમ ધામી મેળાનું ઉદ્ઘાટન કરી, સંબોધન આપીને નીકળ્યા કે તરત જ ધારાસભ્ય હરીશ ધામી પોતાના સમર્થકો સાથે મંચ પર ધસી ગયા હતા. તેમનો આરોપ હતો કે તેઓ મેળા સમિતિના અધ્યક્ષ હોવા છતાં તેમને સંબોધન કરવા દેવામાં આવ્યું ન હતું અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વાતથી ભડકેલા ધારાસભ્યએ આપા ખોઈ બેસીને મંચ પર રહેલું માઈક જોરથી નીચે ફેંકી દીધું હતું અને સાઉન્ડ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા મંચ પરથી નીચે ઉતરીને તેમણે કાર્યક્રમ માટે મુકાયેલી પ્લાસ્ટિકની ખુરશીઓ પણ ફેંકવાનું શરૂ કરી દીધું હતું.

જાહેરાત

આ હંગામા દરમિયાન ધારાસભ્ય હરીશ ધામીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સામે આકરા પ્રહારો કરતા તેમને કાયર કહ્યા હતા અને ખુલ્લો પડકાર આપતા જણાવ્યું હતું કે, "જો હિંમત હોય તો મારી સામે ધારચૂલા બેઠક પરથી ચૂંટણી લડીને બતાવો." બીજી તરફ, શાસક પક્ષ ભાજપે આ વર્તનને સખત શબ્દોમાં વખોડીને પલટવાર કર્યો હતો. ભાજપે જણાવ્યું હતું કે, ધારાસભ્ય હરીશ ધામી પોતાના વિસ્તારમાં કોઈ વિકાસકામો કરી શક્યા નથી અને આગામી ચૂંટણીમાં પરાજયના ડરથી આ પ્રકારનું નીચલા સ્તરનું નાટક કરી રહ્યા છે. જાહેર મંચ પર આ પ્રકારનું અશોભનીય વર્તન કોઈ જનપ્રતિનિધિને શોભતું નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત