Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 94 thousand government schools disappeared from the country in 10 years, students of class 9 are weak even in basic mathematics: shocking report of Niti Aayog

VIDEO: 10 વર્ષમાં દેશમાંથી 94 હજાર સરકારી સ્કૂલો ગાયબ, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પણ નબળા : નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NITI Aayog school report 2026: નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. 'સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાંસમેન્ટ' શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 10 વર્ષમાં દેશભરમાંથી 94,000 જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે. શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

App Store

દરરોજ સરેરાશ 25 સરકારી શાળાઓ બંધ થઈ

રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દરરોજ સરેરાશ 25 શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે.

સરકારી શાળાઓમાં ઘટાડો: વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે.

સરકારી સહાયતા મેળવતી સ્કૂલો: આ જ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ 83,000થી ઘટીને 79,000 થઈ ગઈ છે.

ખાનગી શાળાઓમાં ઉછાળો: આનાથી તદ્દન વિપરીત, આ 10 વર્ષના ગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા 2.88 લાખથી વધીને 3.39 લાખ પર પહોંચી ગઈ છે.

એડમિશનમાં મોટો ઘટાડો: શાળાઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓનો કુલ એડમિશન આંકડો 2.26 કરોડ જેટલો ઘટી ગયો છે.

બાળકોની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો

નીતિ આયોગના અહેવાલ મુજબ, વર્ષ 2014-15માં દેશની શાળાઓમાં કુલ 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે વર્ષ 2024-25માં ઘટીને 24.69 કરોડ થઈ ગયા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં આવેલા આ ઘટાડા પાછળ આ મુખ્ય કારણો જવાબદાર છે:

ઘટતો પ્રજનન દર: દેશમાં પ્રજનન દર ઘટવાના કારણે શાળાએ જવા યોગ્ય ઉંમરના બાળકોની વસ્તી ઓછી થઈ રહી છે.

શાળાઓનું મર્જર: ઓછી સંખ્યાવાળી શાળાઓને એક કરી દેવાની નીતિ.

ડ્રોપઆઉટ રેટ: ઊંચા ધોરણોમાં બાળકોને શાળામાં ટકાવી રાખવાના પડકારો પણ આ સ્થિતિ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

શાળાઓનું વિલીનીકરણ (મર્જર): ફાયદો કે નુકસાન?

કેન્દ્ર સરકાર અને નીતિ આયોગ દ્વારા ઓછી સંખ્યા ધરાવતી આસપાસની શાળાઓને એકબીજા સાથે જોડવા માટે 'સ્કૂલ કન્સોલિડેશન' એટલે કે શાળાઓના વિલીનીકરણની નીતિ અપનાવવામાં આવી છે.

સરકારનો તર્ક: આ નીતિથી સ્કૂલ બિલ્ડિંગ અને શિક્ષકો જેવા સંસાધનોનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે.
સામાજિક કાર્યકરોનો દાવો: આ નીતિના કારણે જ બાળકોના એડમિશન ઘટ્યા છે. જ્યારે ઘરની નજીકની શાળા બંધ થઈ જાય છે, ત્યારે અંતર વધી જવાના કારણે ઘણા બાળકો (ખાસ કરીને છોકરીઓ) અભ્યાસ છોડી દે છે.

રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટા પાયે શાળાઓનું વિલીનીકરણ થયું છે, જ્યાં બંને રાજ્યોમાં મળીને અંદાજે 40,000 શાળાઓ બંધ કે મર્જ કરવામાં આવી છે.

મોટા ધોરણોમાં આવતા જ 'ડ્રોપઆઉટ' રેટમાં મોટો ઉછાળો

પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા ભણવાનું છોડી દેવાના ટ્રેન્ડ પર રિપોર્ટમાં ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે:

પ્રાઇમરી ક્લાસ (ધોરણ 1થી 5): શાળા છોડવાનો દર માત્ર 0.3% છે.
અપર પ્રાઇમરી (ધોરણ 6થી 8): આ દર વધીને 3.5% થઈ જાય છે.
માધ્યમિક સ્તર (ધોરણ 9 અને 10): અહીં પહોંચતા જ ડ્રોપઆઉટ રેટ 11.5%ના જોખમી સ્તરે પહોંચી જાય છે.

એટલું જ નહીં, ધોરણ 8માંથી 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો દર પણ વર્ષ 2014-15ના 91.58%થી ઘટીને વર્ષ 2024-25માં 86.6% રહી ગયો છે. પુડુચેરી અને કેરળ જેવા રાજ્યોમાં આ દર 99.6% જેટલો ઉત્તમ છે, પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં આ સ્થિતિ ઘણી ચિંતાજનક છે.

ધોરણ 9ના વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પણ નબળા!

શાળાઓ બંધ થવાની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા પર પણ આ રિપોર્ટમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ધોરણ 9માં ભણતા ઘણા વિદ્યાર્થીઓ માત્ર બીજગણિત અને ભૂમિતિ જેવા અઘરા વિષયોમાં જ નહીં, પરંતુ ટકાવારી, અપૂર્ણાંક અને ગુણોત્તર જેવી ગણિતની પાયાની બાબતો સમજવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે શરૂઆતના ધોરણોમાં રહી ગયેલી કચાસ આગળના મોટા ધોરણો સુધી સતત ચાલુ રહે છે, જે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે એક મોટો પડકાર છે.