AI તમારી નોકરી ખાઇ જશે! આગામી 5 વર્ષમાં 80 ટકા લોકોની JOB ખતરામાં, જાણો કોણે કર્યો આ મોટો દાવો

સોર્સ : Google
દાયકાઓ પહેલા કોમ્પ્યુટર આવ્યા ત્યારે જે હંગામો થયો હતો, તેવી જ સ્થિતિ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પણ જોવા મળી રહી છે. કેટલાક લોકોને ડર છે કે નોકરીઓ જશે, જ્યારે કેટલાક લોકો માને છે કે તેનાથી બધા કાર્યો સરળ અને પારદર્શક બનશે. આ દરમિયાન ભારતીય અમેરિકન રોકાણકાર વિનોદ ખોસલાએ એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આગામી 5 વર્ષમાં 80 ટકા નોકરીઓ જતી રહેશે. નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં વિનોદ ખોસલાએ કહ્યું કે આ નોકરીઓમાં રોકાયેલા લોકોનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થવાનું શરૂ થશે.
એટલું જ નહીં તેમણે વિદ્યાર્થીઓને એ પણ જાગૃત કર્યા કે ભવિષ્યના વિદ્યાર્થીઓએ સ્પેશિયાલિસ્ટ બનવાને બદલે જનરલિસ્ટ બનવું પડશે, એટલે કે, તેમને બધી બાબતોથી વાકેફ રહેવું પડશે. વિનોદ ખોસલાએ કંઈક આશાસ્પદ વાત પણ કહી. તેમણે કહ્યું કે ભલે હાલની ઘણી તમામ નોકરીઓ જતી રહે, પરંતુ એ પણ ધ્યાન આપનારી વાત છે કે આનાથી કેટલીક તકો પણ ઉભી થશે. તેમણે કહ્યું કે એવી તકો પણ ઉભી થશે, જેના વિશે આપણે આજે વિચારી પણ નથી શકતા. તેમણે કહ્યું કે ઘણી બધી એવી મહાન નોકરીઓ છે, જે માનવો દ્વારા કરવામાં આવી રહી છે. તે કામો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કરવામાં આવશે. આવી લગભગ 80 ટકા નોકરીઓ હશે.
તેમણે કહ્યું કે 2040 સુધીમાં ઘણી બધી બાબતો બદલાઈ જશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી હશે કે ઘણી નોકરીઓ ખતમ જ થઈ જશે. જો કોઈ તેને કરવા માંગે છે, તો તે તેનો શોખ હશે, પરંતુ તે જરૂરિયાત નહીં હોય. વિનોદ ખોસલાનું અનુમાન એવા સમયે આવ્યું છે જ્યારે મોટી ટેક કંપનીઓમાં છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કંપનીઓ કહે છે કે તેઓ કર્મચારીઓનું પુનર્ગઠન કરી રહી છે, પરંતુ સત્ય એ છે કે વસ્તુઓ બદલાઈ રહી છે. તાજેતરમાં દેશની સૌથી મોટી ટેક કંપની TCS એ 12 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત નીતિઓમાં પણ કેટલાક ફેરફારોના સંકેત મળ્યા છે, જેના કારણે ભવિષ્યમાં પણ નોકરીઓ જોખમમાં રહેશે.

