રીંગણનું શાક ખાધા બાદ એક જ પરિવારની 3 માસૂમ બહેનોના કમકમાટીભર્યા મોત

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના પીપોરા ખુર્દ ગામમાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની ત્રણ નાની સગીર બહેનોની શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકીઓમાં 9 મહિનાની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે.
મૃતક બાળકીઓની ઓળખ
અકલ્પનીય દુઃખનો સામનો કરી રહેલા બાલમુકુંદ કુશવાહાના પરિવારની પાંચ દીકરીઓમાંથી ત્રણ દીકરીઓના એકસાથે મોત થયા છે. મૃતક બાળકીઓની ઓળખ પૂનમ કુશવાહા (ઉંમર: 7 વર્ષ), મનીષા કુશવાહા (ઉંમર: ૩ વર્ષ), ચાહત કુશવાહા (ઉંમર: 9 મહિના) તરીકે થઇ હતી.
અડધી રાત્રે તબિયત લથડી
મટગુવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંકુર ચોબેના જણાવ્યા મુજબ, બાલમુકુંદ કુશવાહાના પરિવાર તરફથી માહિતી મળી હતી કે રાત્રિના સમયે પૂનમ, મનીષા અને ચાહતની તબિયત અચાનક લથડી હતી. બાળકીઓને ઝાડા અને ઉલટીની ગંભીર ફરિયાદ થતાં પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન જ ત્રણેય બાળકીઓએ દમ તોડી દીધો હતો.
ફૂડ પોઈઝનિંગ કે ઝેરનો શંકાસ્પદ કેસ?
પ્રાથમિક તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, બાળકીઓએ રાત્રિના ભોજનમાં છેલ્લે રીંગણનું શાક (ભર્થું) ખાધું હતું. તે ખાધા બાદ જ તેમની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ મોત ફૂડ પોઈઝનિંગ અથવા ખોરાકમાં ઝેરી તત્વ ભળવાને કારણે થઈ હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પીપોરા ખુર્દ ગામ દોડી ગયા હતા અને સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે ભોજનના સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ બાળકીઓના મૃતદેહને તેમના પૈતૃક ગામમાં દફનાવવામાં આવ્યા છે અને પોલીસ તમામ એંગલથી ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

