VIDEO: 3 ફ્રી સિલિન્ડર, ₹3,000 સીધા ખાતામાં... BJPએ આ રાજ્યમાં શરૂ કર્યું મફત રેવડી વિતરણ
Goa Free LPG Scheme: વિધાનસભા ચૂંટણીઓ વખતે જનતાને મોટા-મોટા દાવાઓ અને મફતની યોજનાઓની લ્હાણીઓ કરીને મત લેવાની ઘટના નવી નથી. આ જ બાબતમાં હવે ગોવા સરકારે પણ રાજ્યના નાગરિકો માટે મફત રેવડી વિતરણની એક મોટી જાહેરાત કરી દીધી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર લોકોને દર વર્ષે 3 LPG ગેસ સિલિન્ડર મફત આપશે. આ યોજના હેઠળ દર વર્ષે ₹3,000ની રકમ સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના માટેના અરજી ફોર્મ 5 સપ્ટેમ્બરથી પંચાયતો અને ધારાસભ્યોની ઑફિસમાંથી મળવાના શરૂ થશે, જ્યારે 9 સપ્ટેમ્બરથી આ રકમ ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
ચૂંટણીમાં આપેલું વચન પૂરું કરવા મફતની લ્હાણી
પણજીમાં એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું હતું કે, 'આ યોજના 2022ની રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનનો એક ભાગ છે. ચૂંટણી સમયે ભાજપે રાજ્યના લોકોને દર વર્ષે ત્રણ મફત એલપીજી સિલિન્ડર આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવે સરકારે આ વચન પૂરું કરવા માટે લાભાર્થીઓના ખાતામાં વાર્ષિક ₹3,000 ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.' મોંઘવારીના સમયમાં આ નિર્ણયથી સામાન્ય લોકોને આર્થિક રીતે મોટી રાહત મળશે એવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કોને મળશે આ મફત યોજનાનો લાભ અને કયા દસ્તાવેજો જોઈશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ મફત યોજનાનો લાભ માત્ર ગોવાના મૂળ નિવાસીઓને જ મળશે અને અન્ય કોઈ પણ રાજ્યના લોકો આ માટે પાત્ર રહેશે નહીં. યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છા ધરાવતા નાગરિકોએ અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. લાભાર્થીઓએ આવેદન સાથે પોતાની બેન્ક પાસબુક, આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડની કોપી આપવાની રહેશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
વૈશ્વિક પરિસ્થિતિ અને મોંઘવારી વચ્ચે જનતાને આશ્વાસન
સરકારની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા તણાવ અને ઊર્જા પુરવઠો ખોરવાવાને કારણે એલપીજીના ભાવમાં વધારો નોંધાયો છે. ભારતમાં એલપીજીના વધતા ભાવ વચ્ચે લોકો પર આર્થિક બોજ વધ્યો છે, જેને ઘટાડવા સરકારે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. બીજી તરફ ભારત સરકાર એલપીજી પરનો વપરાશ ઘટાડીને PNG તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે ગોવા સરકારની આ પહેલથી ગૃહિણીઓ અને ગરીબ પરિવારોને આર્થિક રીતે મોટો આશરો મળશે.

